પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬
સરદાર વલ્લભભાઈ

સંપ રાખવા, સરકારી અમલદારો કોઈ જગાએ ખેડૂતોને ફોસલાવી પટાવી, કોઈ જગાએ ડર બતાવી, કોઈ જગાએ ઝેરી પ્રચાર કરી મહેસૂલ વસૂલ કરવા તજવીજ કરી રહ્યા હતા તેની સામે લોકોને સાવધાન રાખવા સ્થળે સ્થળે છાવણીઓ ખોલી દેવામાં આવી અને ત્યાં કલ્યાણભાઈ, કુંવરજીભાઈ, કેશવભાઈ, ખુશાલભાઈ, ડૉ. ત્રિભુવનદાસ વગેરે તાલુકાના ચુનંદા કાર્યકર્તાઓને ગોઠવી દેવામાં આવ્યા. બીજા કાર્યકર્તાઓ પણ બારડોલીમાં ઊતરી પડ્યા. અબ્બાસ સાહેબ તૈયબજી, ડૉ. ચંદુભાઈ દેસાઈ, દરબાર સાહેબ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ગોરધનદાસ ચોખાવાળા, ઈમામ સાહેબ, ડૉ. સુમન્ત મહેતા તથા સૌ. શારદાબહેન, એમણે બારડોલીમાં પહોંચી જઈ જુદાં જુદાં થાણાં સંભાળી લીધાં. શ્રી મણિલાલ કોઠારી લડત માટે નાણાં એકઠા કરવાના કામમાં મંડી પડ્યા. જુગતરામભાઈ અને કલ્યાણજીભાઈએ પ્રકાશન ખાતું સંભાળી લીધું અને એકે પોતાની કસાયેલી કલમ વડે અને બીજાએ ફોટો ખેંચવાની પોતાની કાબેલિયત વડે એ શોભાવ્યું. પાછળથી પ્રકાશન ખાતામાં શ્રી પ્યારેલાલજી જોડાયા અને તેમણે અંગ્રેજી વિભાગ કુશળતાથી સંભાળી લીધો. પ્રકાશન ખાતા તરફથી નીકળતી પત્રિકાઓ લોકોનો રોજનો ખોરાક થઈ પડી અને મુંબઈનાં દૈનિકપત્રો રોજ રોજ એ પત્રિકાઓ આખી ને આખી ઉતારવા લાગ્યાં. કાઠિયાવાડથી પણ એક ટુકડી શ્રી ફૂલચંદભાઈ, તેમનાં પત્ની શ્રી શારદાબહેન, ભાઈ શિવાનંદ તથા શ્રી રામનારાયણ ના○ પાઠકની આવી પહોંચી. તેમણે ટૂંકા અને તરત મોઢે ચડી જાય એવાં સત્યાગ્રહી ગીતોની રમઝટથી આખા તાલુકાને ગજાવી મૂક્યો. ચોરે અને ચકલે, ખેતરોમાં અને શેરીઓમાં આબાલવૃદ્ધ સૌ એ ગીતો લલકારવા લાગ્યાં :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
ભલે કાયાના કટકા થાય — અમે○

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે○ — ડંકો○

માથું મેલો સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે, સાચી ટેકને રે — માથું○

મુસલમાન વગમાં ઉત્સાહ લાવવાનું કામ પાક મુસલમાન ઈમામ સાહેબે ઉપાડી લીધું. પોતાની બાર વરસની ઉંમરથી તેઓ એક પણ રોજો ચૂક્યા નહોતા. લડત દરમ્યાન રમજાન મહિનો આવ્યો. તે વખતે ખૂબ ફરવાનું હોવા છતાં તેમણે રોજા રાખ્યા અને રોજા છતાં બારડોલીથી વાલોડ સુધી જઈ