પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦
સરદાર વલ્લભભાઈ


આનંદ થતો હશે કે ગામડાંમાં સમાજસુધારા અને લોકસેવાનાં કામ કરનારા સેવાવ્રતીઓનું મંડળ ઊભું કરવાના તેમના પ્રયાસને સારી સફળતા મળી છે, અને તેમની ગાદી શ્રી વલ્લભભાઈ પટેલે સારી રીતે સાચવી છે.” પણ નાણાં ખાતાના મંત્રી રેવન્યુ ખાતાના મંત્રીની હઠ નહીં છોડાવી શક્યા હોય.

‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં ઍંગ્લો-ઇન્ડિયન પત્રોએ પોતાનો ભાગ ભજવવામાં બાકી ન રાખી. હજી ગઈ કાલે તો તેઓ સરદારના રેલસંકટ-નિવારણના ઉત્તમ કાર્યની પ્રશંસા કરતાં હતાં. તેઓ હવે ‘સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂંચવનારી અને સરકારના તંત્રને અટકાવી પાડનારી હિલચાલના નેતા’ તથા ‘ગેરકાયદે’ હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે સરદારને ભાંડવા લાગ્યાં. આ લડતનો ઉદ્દેશ બહુ પરિમિત છે એમ સરદારે સ્પષ્ટ કર્યું હતું છતાં કેટલાંક વર્તમાનપત્રો તેને ‘જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર તરીકે’ તથા ‘સવિનય ભંગની અને નાકરની લડત તરીકે’ વર્ણવવા મંડ્યાં. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ એ બીજું એક જૂઠાણું એ ચલાવ્યું કે ગાંધીજી આ લડતમાં ભાગ નહોતા લેતા કારણ તેમને એ પસંદ નહોતી. હકીકત એ હતી કે રેલસંકટની જેમ આ વખતે પણ સરદારે જ ગાંધીજીને બારડોલી આવવાની ના કહી હતી અને અમે લડત કેવી ચલાવીએ છીએ તે સાબરમતી બેઠે બેઠે નિહાળવાનું કહ્યું હતું. ગાંધીજી જાહેરમાં લડતને આશીર્વાદ આપી ચૂક્યા હતા અને ‘યંગ ઇન્ડિયા’ તથા ‘નવજીવન’ માં પ્રસંગોપાત્ત લેખો લખી લડતને માગદર્શન તથા ઉત્તેજન આપતા હતા. સરદાર અને સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર ‘નવજીવન’માં છાપતાં ગાંધીજીએ લખ્યું :

“આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુ:ખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તે શ્રી વલ્લભભાઈ એ રજૂ કરેલી હકીકતો ને તેની ઉપર રચેલી દલીલમાં ક્યાંયે ઊણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાબી અને તોછડાઈ છે. આમ અમલ માણસને આંધળો બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્ત્વ ખેાઈ ભાન ભૂલી જાય છે.”
“સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની સાથે વિનયવિષ્ટિ કરી : ‘તમે ખોટા ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમો અને તેની પાસે ઇન્સાફ કરાવો. તમારી ભૂલ ન જ થાય એવો દાવો તમે ન કરો.’ આ વિષ્ટિનો અનાદર કરવાની ગંભીર ભૂલ કરીને સરકારે લોકોને માટે સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપ્યો છે.