- “પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તો પરાયા છે, બહારના છે, પરદેશી છે. એ અને એમના પરદેશી સાથીઓ જો બારડોલી ન ગયા હોત તો લોકો મહેસૂલ ભરી જ દેત, એ તેના કાગળનો ધ્વનિ છે. ઊલટો ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે ત્યાં લગી વલ્લભભાઈને કે કાશ્મીરથી માંડી કન્યાકુમારી લગીમાં રહેનાર અને કરાંચીથી માંડી દીબ્રુગઢ લગીમાં રહેનાર કોઈ પણ હિંદીને બહારનો કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી આપણામાંના બીજા કોઇ સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તો સરકારના અંગ્રેજ અમલદારો છે, અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આ પરાઈ, બહારની સરકારના બધા અમલદારો છે, પછી તે ધોળા હોચ કે કાળા . . . . આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડોલી પરત્ત્વે ‘પરદેશી’ કહે એ કેવી વક્રતા ? ધોળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાથે જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી ?”
લડતનો પહેલો ભડાકો સરકારે તા. ૧૫મી ફેબ્રુઆરીએ કર્યો. જે તાલુકામાં મહેસૂલ ન ભરવા માટે ચોથાઈ દંડની નોટિસ ભાગ્યે જ આપવામાં આવતી ત્યાં વાલોડ અને બાજીપરાના પંદર પ્રતિષ્ઠિત વણિક સજ્જનો ઉપર દસ દિવસમાં નવું મહેસૂલ ભરી દેવાની નોટિસ કાઢવામાં આવી. પછી પચાસ સાઠ વણિકો ઉપર નોટિસોનો મારો થયો. સરકારે વાણિયાઓને પોચા માની પહેલો હુમલો એમના ઉપર કર્યો. ‘ઈગતપુરી કનસેશન’ના નામથી ઓળખાતી કેટલીક છૂટછાટો સરકારે જાહેર કરી હતી, તેની રૂએ જેમનું મહેસૂલ પચીસ ટકાથી વધારે વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ સુધી વધારો ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. તેની લાલચ લોકોને બતાવવામાં આવી. લોકો ઉપર ત્રાસ ગુજારી તેમને બિવરાવી દેવા માટે બેડકૂવા નામના ગામમાં તલાટીએ એક રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારી પૈસા કઢાવ્યા. ત્યારે એક ડેપ્યુટી કલેક્ટરે એક ગામના વૃદ્ધ વણિક શેઠને પોતાને ત્યાં બોલાવી ખુશામત કરવા માંડી કે, ‘મારા માનની ખાતર તો કંઈક આપો. જાઓ, ફક્ત એક રૂપિયો ભરો.’ ડોસાએ જવાબ આપ્યો, ‘તમારે માટે માન તો ઘણું છે. પણ અમારે ગામમાં રહેવું ખરું ને ! ગામે ઠરાવ કર્યો છે કે કોઈએ કીસ ભરવી નહીં.’ સરદારને આ કિસ્સાની ખબર પડી એટલે પેલા શેઠને કહેવડાવ્યું કે, ‘તમારે એવો જવાબ આપવો’તો ને કે મારા પ્રત્યે આટલો ભાવ બતાવો છો તો મારા માનની ખાતર તું રાજીનામું આપી દે. દુ:ખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકીના બધા તો હવાલદાર.’