પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
વકીલાત


તેનો ભારે આઘાત સરદારના દિલમાં રહી ગયો. તે વખતે એમની ઉંમર તેત્રીસ વર્ષની હતી. ફરી પરણવાનો આગ્રહ સગાંવહાલાં તથા મિત્રો તરફથી સરદારને ઘણો થયો. પણ ફરી નહીં પરણવાના વિચારમાં તેઓ ખૂબ દૃઢ હતા. વિલાયત ગયા ત્યાં પણ મિત્રો સારી સારી કન્યાઓનાં નામ સાથે કાગળો લખતા અને એક બે કન્યાઓના ફોટા પણ એમને મોકલવામાં આવેલા. કાગળોના જવાબમાં બીજી બધી વાતો લખે પણ આ વાતનો જવાબ જ ખાઈ જતા.

થોડા વખત પછી વિઠ્ઠલભાઈનાં પત્ની માંદાં પડ્યાં. તેમને બોરસદ લાવી પોતાને ત્યાં રાખ્યાં. ત્યાં તેઓ ૧૯૧૦ના આરંભમાં ગુજરી ગયાં. સરદારને આ મંદવાડને લીધે વિલાયત જવાનું મુલતવી રાખવું પડેલું હતું તે હવે તેમણે નક્કી કરી નાખ્યું અને તેને અંગે બધી વ્યવસ્થા કરી દીધી. મણિબહેન તથા ડાહ્યાભાઈને સહેજ મોટાં થાય એટલે વિલાયતમાં રાખી ત્યાંની જ કેળવણી આપવાનો વિચાર હતો. તેની પૂર્વ તૈયારી તરીકે મુંબઈની સેન્ટ મેરિઝ સ્કૂલવાળાં એક મિસ વિલ્સનને ત્યાં ‘બોર્ડર’ — છાત્ર તરીકે રાખ્યાં જેથી તેઓ સીધી વાતચીત દ્વારા (‘ડિરેક્ટ મેથડ’થી) અંગ્રેજી શીખી શકે. તેમને દરેકને માટે માસિક રૂપિયા સો આપવાના હતા. વિઠ્ઠલભાઈનું વિલાયતનું ખર્ચ દસ હજાર રૂપિયા થયું હતું. પોતાને પણ એાછામાં ઓછું એટલું ખર્ચ તો થાય જ. તે ઉપરાંત પોતે વિલાયત રહે એ ત્રણ વર્ષ છોકરાંનું બોર્ડિંગ અને બીજુ ખર્ચ મળી આશરે દસેક હજાર રૂપિયા ખર્ચ થાય. વકીલાતની કમાણીમાંથી બચાવેલી રકમમાંથી આ બધા ખર્ચની વ્યવસ્થા થઈ શકી. આમ બધી ગોઠવણ પાકી કરી ૧૯૧૦ના ઑગસ્ટમાં સરદાર વિલાયત જવા ઊપડ્યા.

હવે આ દસ વર્ષની વકીલાત દરમ્યાનના થોડા પ્રસંગો નોંધીશું :

૧. તેમના એક સ્નેહી રેલવે પોલીસમાં ઈન્સ્પેક્ટર હતા. તેને પોતાના ઉપરી અમલદાર જે સુપરિન્ટેન્ડેન્ટ હતા તેની સાથે અણબનાવ હતો. સુપરિન્ટેન્ડેન્ટે પેલા ઈન્સ્પેક્ટરને એક નજીવા કેસમાં સંડોવ્યો અને એ કેસને બહુ મોટું રૂપ આપ્યું. રેલવે વૅગનમાંથી એક રૂપિયાની કિંમતનાં બળતણનાં લાકડાંની પોતાના નોકર પાસે ચોરી કરાવ્યાનો આરોપ મૂકી એમને કેદમાં પુરાવી દીધા. સુપરિન્ટેન્ડેન્ટ બહુ મોટી લાગવગવાળો અંગ્રેજ હતો. એનો ભાઈ મુંબઈ સરકારમાં હોમ-મેમ્બર હતો. તે વખતે રેલવેમાં ચોરીલૂંટના ઘણા કેસો બનતા. એ બહાના હેઠળ આ નજીવા કેસને ભારે રૂ૫ આપવામાં આવ્યું અને આરોપી લાગવગવાળો હોવાનું જણાવી આ કેસ ચલાવવા એક સ્પેશિયલ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરાવી. કેસ ખેડા જિલ્લામાં ચાલવાનો હતો છતાં અમદાવાદ જિલ્લાના સરકારી વકીલને આ કેસ ચલાવવા માટે ખાસ રોકવામાં આવ્યો. કેસ કોર્ટમાં મોકલતાં પહેલાં બધી તપાસ પેલા સુપરિન્ટેન્ડેન્ટે જાતે કરેલી. આરોપીને પ્રથમ કોઈ વાર સજા થયેલી