પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫
બારડોલી સત્યાગ્રહ

(સાઈમન કમિશન) પ્રજાને શી રીતે જવાબદાર તંત્ર આપવું તેની તપાસ કરવા આવ્યું છે, બે વરસમાં મુલકી ખાતું લોકોને સોંપી દેવાની વાતો ચાલે છે અને બીજી તરફથી અહીં જમીનો ખાલસા કરવાની સરકાર બાજી ગોઠવે છે. એ બધા ખાલી તડાકા છે. ખેડૂતના દીકરાને એમાં ડરવાનું કારણ નથી. એને તો વિશ્વાસ હોવો જોઈ એ કે આ જમીન અમારા બાપદાદાની હતી અને અમારી જ રહેશે. ખેડૂતની જમીન એ તે કાચો પારો છે. આ સ્થિતિમાં જે લેશે તેને ફૂટી નીકળશે. દસ વરસ ઉપર દેશમાં સુધારાનું તંત્ર નહતું ત્યારે પણ ખેડા જિલ્લામાં એક વીધું જમીન સરકારથી ખાલસા થઈ શકી નહતી તે હમણાં થઈ શકશે ? નાહકનાં દફતરો બગાડે છે. એમ જમીન ખાલસા થશે ત્યારે તો આ કચેરીના મકાનમાં મહાલકરી નહીં રહેતો હોચ, ને અહીં અંગ્રેજનું રાજ્ય નહીં હોય, પણ લુંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દો. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના કાને હું કહું છું કે કોઈ ડરો નહીં. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયો તે તપાસો. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક અને ફફડાટ હતાં ? એકબીજા જોડે બેસતા પણ નહીં. અને આજે ? આજે મહાલકરી તો માત્ર આ ડેલાનો જ અધિકારી છે. મકાનની બહાર તેનો અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા. આમ ને આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહીં મળે.”

ખાલસા નોટિસમાં આપેલી તા. ૧૨મી એપ્રિલની મુદત આવી પહોંચી. સરકારી અમલદારો આશા રાખી બેઠા હતા કે ખાલસાની ધમકીથી લોકો ડરી જશે. તેમની મનોદશાના ભણકારા ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ એ તે અરસામાં લખેલા એક લેખમાંનાં આ વાક્યોમાંથી મળે છે :

“સત્યાગ્રહની લડતનું જોર ઓછું થતું જણાતું નથી. ખાલસાની નોટિસ અપાઈ ગઈ છે, પણ જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન ખાલસા કરવાની રીત એટલી અટપટી છે કે સરકારનાં પગલાંનું પ્રત્યક્ષ પરિણામ દેખાતાં કદાચ થોડાં અઠવાડિયાં વીતે. થોડી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે ખરી પણ તેની કશી અસર નથી. સરકારે જમીન ખાલસા કરવાની જે ધમકી આપી છે તેથી ખેડૂતો ડરશે ખરા, અને સત્યાગ્રહથી પોતે ધારેલાં ફળ આવતાં નથી એમ તેઓ જોશે ત્યારે આખી લડત કડડભૂસ કરતી તૂટી પડશે.”

પણ અમલદારોની એ આશા દહાડે દહાડે વ્યર્થ જતી હતી. બારડોલીમાં નવી જ રોનક નજરે પડતી હતી.

હવે બારડોલીની બહાર પણ અસર પડવા માંડી હતી. પૂનામાં બારડોલી માટે ખાસ સભા ભરવામાં આવી અને સત્યાગ્રહીઓને સફળતા ઈચ્છવામાં