જંગલમાં કોઈ ગાંડો હાથી રૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને છૂંદી નાખે એવી મદમત્ત આજે આ સરકાર બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા છે એવા મને આ મગતરાનો શો હિસાબ છે ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રૂમી લેવા દે અને પછી લાગ જોઈને એના કાનમાં પેસી જા.
** *
મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે. છતાં તેમાંની એક ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે. ઠીકરીને શો ભય હોઈ શકે ?
** *
હું તો તમને કુદરતનો કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તો જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કર્યે આપણને મુક્તિ મળી શકે.
** *
જો ઘેટાંમાંથી જ તેને સાચવનારો ઘેટો નહીંં નીકળે તો શું એ વિલાયતથી સાચવનારો લાવી શકશે ? લાવી શકે તો તેને પોસાય નહી. એ કાંઈ અઢી આનામાં રહે નહીંં, આવાં છાપરામાં રહે નહીં. એને બંગલા જોઈએ, બગીચા જોઈએ; એનો ખારાક જુદો, એની હાજતો જુદી; એને જુદો ધોબી જોઈએ, જુદો ભંગી જોઈએ. એ રીતે તે સરકારને માથા કરતાં મૂંડામણ મોંઘું પડી જાય. દર ગામે બબ્બે અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરા રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે તેની ગણતરી કરવી મુશ્કેલ નથી.
** *
દૂધ પાણી ભળે એટલે બેઉ એક રંગ થાય છે ને કદી ટાઢાં પડતાં નથી. દૂધ ઊકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પોતે પહેલું બળે છે અને દૂધને ઉપર કાઢી તેનો બચાવ કરે છે. એટલે તરત દૂધ પાણીનો બચાવ કરવા પોતે ઊભરાઈ આગમાં પડીને આગને હોલવવા મથે છે. એ જ પ્રમાણે આજે ખેડૂત શાહુકાર એક થજો, એકબીજાની વહારે ધાજો, એમાં કોઈ ફાચર ન મારી શકે એ સંભાળજો.
** *
મને શરૂઆતમાં કોઈ કોઈ ખેડૂત કહેતા કે આ ઝઘડામાં ઊતરીને જોખમમાં પડવા કરતાં સવારમાં બે કલાક વહેલા ઊઠી વધારે મજૂરી કરીશું. આવા માણસોએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસરૂપે