પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮
સરદાર વલ્લભભાઈ


બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદનો જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. . . . હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. એ બે વસ્તુઓ લાખો ખરચતાં તમે મેળવી ન શકો તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યા છો. તમને સાક્ષાત્ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારાં ધન્યભાગ્ય છે કે તમારા ઉપર આ વધારો નાખ્યો છે.

સરદાર ખેડૂતોને ટટ્ટાર થવાનું, મરદ બનવાનું, ટેક જાળવવાનું, સ્વમાન માટે લડવાનું જે શિક્ષણ આપી રહ્યા હતા તેનું વર્ણન રવિશંકર મહારાજે આ લડત વખતના એક ભાષણમાં બહુ સરસ કર્યું છે :

“હું એક વાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયો હતો. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારો ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્ય પદે કોને નીમવા તેની ચર્ચા ચલાવી રહ્યું હતું. મારા જેવાને તો એમાં શી સમજણ પડે ? પણ તે વખતે સાંભળેલું મને યાદ રહી ગયું છે. વલ્લભભાઈ એ કહેલું કે ‘બીજો કોઈ ન મળે તો મને આચાર્ય બનાવજો, છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ.’ એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા તેમાં તફાવત હતો. જ્યારે બીજા મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે એ જ તદ્દન ખરી વાત છે.
“એ વખતે જેના આચાર્ય પદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્યે આજે બારડોલી તાલુકાની ૮૯ હજા૨ પ્રજાને ભણાવવાની શાળા કાઢી છે. . . . સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું, તેને ભૂલવાના પાઠ અપાઈ રહ્યા છે. થોડું ભણેલું ભૂલેલા એક ગુરુ પાસે સાચું ભણીને જે આચાર્ય પદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબ્બાસ સાહેબ અને પંડ્યા જેવા તેના ઉપાધ્યાય છે. હું તો આ ભવ્ય શાળાનો એક ક્ષુદ્ર તેડાગર છું.”

આ અરસામાં વલ્લભભાઈનું નામ ખેડૂતોના સરદાર પડ્યું. કોઈકના મોંમાંથી એ નામ નીકળ્યું અને જેણે જેણે એ સાંભળ્યું તેણે તેણે એ ઉપાડી લીધું. અને કેમ ન ઉપાડી લે ? જેણે જેણે બારડોલીની લડત વખતનાં એમનાં ભાષણો સાંભળ્યાં અને વાંચ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું ઓળખ્યું, ખેડૂતોનાં દુઃખોનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે અને ખેડૂત ઉપર ક્યાં ક્યાંથી, કઈ કઈ જાતના માર પડે છે તેનું અનુભવજ્ઞાન તેમના જેવું કોને હશે અને તેની રજૂઆત તેમના જેવી બીજું કોણ કરી શકે એમ હતું ? એ વિષે મહાદેવભાઈએ લખ્યું છે: