પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૦
સરદાર વલ્લભભાઈ


કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુ:ખનું કારણ એ છે કે પોતે હતાશ થઈ ગયો છે, આવડી મોટી સત્તા સામે આપણું શું વળે એમ માનતો થઈ ગયો છે. સરકારને નામે એક ધગડું આવીને પણ એને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઇચ્છા આવે એટલો કરનો બોજો તેના ઉપર નાખે છે. વરસોની મહેનત કરી ઝાડ ઉછેરે તેના પર વેરો, ઉપરથી વરસાદનું પાણી ક્યારીમાં પડે તેના ઉપર જુદો વેરો, કૂવો ખોદી ખેડૂત પાણી કાઢે તો તેના પર પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહીં; પણ ખેડૂતને વીધું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતર પૂંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણ સમા પાણીમાં વીંછીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે, તેમાંથી ખાવાનું ધાન પકવે; દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં નાખીને તે વેચી આવે, આટલું કરીને પાંચ પચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો !”

બીજે એક ઠેકાણે કહ્યું :

“ખેડૂત ડરીને દુ:ખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે. મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”

લોકોમાં આવેલી અજબ જાગૃતિ જોઈ તેથી ચેતીને ન્યાય આપવાનો વિચાર કરવાને બદલે સરકારે વધુ સખ્તાઈ કરવાનો નિશ્ચય કર્યો. ઉત્તર વિભાગના કમિશનર મિ. સ્માર્ટ દરિયાકિનારે હવા ખાતા હતા ત્યાંથી તેમને સુરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા. કલેક્ટર પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી પરથી ઊતરવાના હુકમ મળ્યા. ખૂબીની વાત તો એ છે કે તાલુકામાં આટઆટલું થતું હોવા છતાં જિલ્લા કલેક્ટરને હજી સુધી બારડોલીમાં જવાની જરૂર જણાઈ નહોતી. તેઓ પોતાના ડેપ્યુટીનાં ચશ્મે જ બધું જોતા હતા. પણ ઉપરથી હુકમ મળ્યા એટલે તાલુકામાં ગયા. ત્યાં જઈને જોયું તો બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. કોઈ અમલદારની આડું ફરકે નહીં. પછી ગામડે જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો ભાડાની મોટર લેવા ગયા. મોટરવાળાએ કહ્યું કે મોટર રોકાયેલી છે. એટલે તેમનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. માંડ સાંજે સરભોણ ગામે પહોંચ્યા. જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યાં, અને કલેક્ટર ગામમાં પ્રવેશ કરે તે પહેલાં તમામ ઘેર બારણાં ધડાધડ બંધ થઈ ગયાં અને શેરીઓ