પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૧
બારડોલી સત્યાગ્રહ


સૂનકાર થઈ ગઈ. કલેક્ટરે પટેલને બોલાવ્યા. તેમણે જવાબ આપ્યો કે લોકો અમારું સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે કશાની પણ પડી નથી. પછી તલાટીઓની સભા કરી તેમને સમજાવ્યું કે ગામના નક્શા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડો જેથી ખરીદનારાઓને આખા જથામાં જમીન આપી શકાય. આટલી કામગીરી બજાવી તેઓ સુરત રવાના થયા અને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’વાળાને મુલાકાત આપી :

“ઘણા ખેડૂતો જમીનમહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકીઓ આપવામાં આવે છે. બહારથી આવેલા અને જેમને ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીએાએ આપેલી ખોટી સલાહ ખેડૂતો જો માનશે તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાનો દરેક સંભવ રહે છે.”

રૈયતના એક પણ માણસને મળ્યા વિના કલેક્ટર સાહેબ મુલાકાતમાં આવું હડહડતું જૂઠાણું કહી શક્યા !

પછી જપ્તીનો દોર શરૂ થયો અને તેમાં ભેંસો પકડવી એવા હુકમ છૂટ્યા. ચાલુ મામલતદારને ઢીલા ગણી તેમની બીજા દૂરના તાલુકામાં બદલી કરવામાં આવી અને કડક થવાની જેમણે બડાશ મારી હશે એવા મામલતદારને બારડોલીમાં મૂકવામાં આવ્યા. ત્રણ જપ્તી અમલદારને લોકોનાં ઘર તોડવાના, વાડો ભાંગવાના વગેરે ખાસ અધિકારો સાથે નીમવામાં આવ્યા. એ જપ્તી અમલદારોની મદદમાં મુંબઈમાં મવાલી ગણાતા લેભાગુ પઠાણોને ત્યાંથી ખાસ લાવવામાં આવ્યા. આની સામે લોકોએ પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માંડ્યું અને અમલદારનો કડક બહિષ્કાર કરવા માંડ્યો. બહિષ્કારની બાબતમાં યોગ્ય મર્યાદા સાચવવાની ચેતવણી ગાંધીજી શરૂઆતમાં જ આપી ચૂક્યા હતા. છતાં સરદારે ફરી ચેતવ્યા કે અમલદારો કાંઈ આપણા દુશ્મન નથી. એ બિચારા હુકમને તાબે થઈ ને આવ્યા છે. એમને સીધું પાણી ન આપવાં અથવા દૂધ, શાક, ધોબી, હજામ ન મળે તેમ કરવું અથવા દવા વગેરે જિંદગીની જરૂરિયાત અટકાવવી, એ સત્યાગ્રહ નહીં પણ ઘાતકીપણું છે. હા, જપ્તીના કામમાં તેમને કોઈ જાતની મદદ ન કરવી. ગાડી કે મજૂર કે પંચ એવું કશું આપવાની સાફ ના કહેવી. બીજી અગત્યની સલાહ સરદારે એ આપી કે જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે ત્યાં લોકોએ ટોળે ન થવું. કારણ સરકારનો ઈરાદો તોફાન કે મારામારી કરાવવાનો હોય તો લોકો ટોળે થવાથી પોતાનો ઇરાદો તે બર લાવી શકે. કલેક્ટરે મુલાકાતમાં ડરની વાત કરી હતી તેનો