પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૭
બારડોલી સત્યાગ્રહ

મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેઓ છોડે એવી પેરવી કરી હતી. ઈશ્વરે જ તેમ કરવાને તેમને પ્રેર્યા એમ કહીએ તો ચાલે. કારણ સરદારની તાલુકામાં ચોવીસે કલાકની હાજરીની જરૂર રહે એવો સમો હવે આવ્યો હતો.

વૈશાખનો ધોમ ધખતો હતો અને તેની સાથે સરકાર પણ રુદ્ર રૂપ ધારણ કરતી જતી, પ્રજાની તરેહ તરેહની છેડતી કરી તેને ચીડવી રહી હતી અને તે તોફાને ચડે તો આપણે ફાવી જઈએ એમ માનતી હતી. બરાબર એન વખતે સરદારે લોકોને એન ચેતવણી આપી :

“આપણી ઉપર બિલકુલ આળ ન આવે એ સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહીંં. ગુસ્સાનું કારણ મળે તો પણ અત્યારે ખામોશ પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારે અમુક માણસને ગાળ દીધી. હું કહું છું કે એનું મોઢું ગંદુ થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તો પણ કશું ન બોલશો. હિંમત ન હારશો, પણ સામા હસજો. . . . તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તે વિનય — ખાનદાની —, આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી. તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માગું છું.”

અને છેવટે એમણે લોઢું અને હથોડાની ઉપમા આપી તે બારડોલી તાલુકામાં જ્યાં ત્યાં પરિચિત થઈ ગઈ:

“આ વખતે સરકારનો પિત્તો ઊછળે છે. લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે અને તેમાંથી તણખા ઊડે છે. પણ લોઢું ભલે ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે, લોઢાનો ઇચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. માટે ગમે તેવી આપત્તિમાં આપણે ગરમ ન જ થઈએ.”

આ બધું ચાલતું હતું ત્યારે ઉત્તર વિભાગના કમિશનર કેવી મનોદશા ધરાવતા હતા તે તેમણે સુતરના એક દાક્તરને લખેલા કાગળમાંનાં નીચેનાં વાક્યોમાંથી જાણવા મળે છે :

“લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરનારા આ ખેડાના ચળવળિયાનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતો પાયમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. . . . જે કોઈ ગામ પોતાનો વર્ગ