પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૯
બારડોલી સત્યાગ્રહ

અભિમાન નથી કરતો પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જો સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હોત અને તરત બી પૂરું પાડ્યું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં પ૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જ્યારે મેં બારડોલી તાલુકાના ખેડૂતની વાત લખી કે એમને અન્યાય થયો છે, ખેડૂતો કેટલાક પાયમાલ થઈ ગયા છે એ જણાવ્યું અને ગુજરાતમાં એક બે ઊભા રહ્યા હશે તેમનેય તમારું સ્ટીમરોલર કચડી નાખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે, ‘તું તો બહારનો છો !’ ”

અગાઉ એક વાર કલેક્ટરે લોકોની ઉપર આગ અને રંજાડના આરોપો મૂક્યા હતા તેવા કમિશનરે ન મૂક્યા તે માટે એક જાહેર ભાષણમાં સરદારે તેમનો આભાર માન્યો, અને તેની સાથે એ યાદ દેવડાવ્યું કે જો આ ‘ચળવળિયા’ પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત અને તેમને પોતાના જીવને જોખમે અન્ન-વસ્ત્ર, વાવવાનાં બી વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તો સરકારનું તંત્ર ભાંગી પડ્યું હોત. વળી એમ પણ જણાવ્યું કે, આ જ ‘ચળવળિયા’ હતા તો સરકારે આપેલાં નાણાંનો સદ્વ્યય થયો અને ઘણે ઠેકાણે સસ્તાં બી તથા બાંધકામના સરસામાન સમિતિની દુકાનમાંથી મળ્યો. એને લીધે જ સરકાર પૈસા બચાવી શકી.

વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કમિશનરના આ કાગળથી દેશમાં ભારે ખળભળાટ થયો. ગાંધીજીએ ‘નવચેતનન’ માં એક લેખ લખી કમિશનરની બરાબર ખબર લીધી અને લડતના મુદ્દાની ફરી ચોખવટ કરી. તેમણે સ્પષ્ટતા કરી કે બારડોલીના લોકો એ આગ્રહ કરતા જ નથી કે તેમની જ વાત સ્વીકારવામાં આવે. તેમની માગણી તો એટલી છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તેની તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે અને પંચ જે ચુકાદો આપે તેનો અમલ કરવામાં આવે. કાર્યકર્તાઓની બદનક્ષી કરનારા કમિશનરના આક્ષેપ વિષે તેમણે લખ્યું :

“કાર્યકર્તાઓને ‘બારડોલીના લોકો ઉપર જીવનારા અને તેમને અવળે માર્ગે દોરનારા ચળવળિયાનું ટોળુ’ કહીને વર્ણવવામાં આવ્યા છે. આ અપમાન એવું છે કે વધારે સારા વખતમાં અને પ્રજાને પોતાના બળનું ભાન હોત તો કમિશનરની પાસે જાહેર માફી મગાવવામાં આવત. તેમને હું ખબર આપું છું કે જેમને તે ક્રોધ અને સત્તાના મદમાં ‘ચળવળિયાઓનું ટોળું’ કહે છે તેમાં પ્રજાના આબરૂદાર સેવકો છે, જેઓ પોતાની સેવા બારડોલીને મોટો ત્યાગ કરી આપી રહ્યા છે. આમાં બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ ઉપરાંત વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજી સાહેબ પણ છે. તેઓ પણ બૅરિસ્ટર છે અને એક વાર વડોદરામાં મુખ્ય ન્યાયાધીશ હતા. આમાં ઈમામસાહેબ બાવઝીર