પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૦
સરદાર વલ્લભભાઈ

છે, જેઓ ફકીર જેવા છે અને બારડોલીની પાસે કોડીની તેમને સ્પૃહા નથી. વળી ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં તેમના જેવાં જ સંસ્કારી પત્ની શ્રીમતી શારદાબહેન છે. ડૉ. સુમન્તની તબિયત તો કેટલાક સમય થયાં બહુ નબળી છે, પણ તેઓ પોતાના આરોગ્યના મોટા જોખમે બારડોલી ગયા છે. આ ચાર ખેડાનાં નથી એ કમિશનર સાહેબને રોશન થાય, આ પછી ઢસાના દરબાર સાહેબ અને તેમનાં ભડ પત્ની ભક્તિબા છે. બંનેએ દેશને માટે પોતાના રાજ્યનો ભોગ આપ્યો છે. તેઓ બારડોલીના લોકો ઉપર પેટ ભરતાં નથી. આ ઉપરાંત ડો. ચંદુલાલ અને ડૉ. ત્રિભુવનદાસ ત્યાં કામ કરી રહ્યા છે. તેઓ પણ ખેડાના નથી. આ ઉપરાંત ફૂલચંદ શાહ અને તેમનાં પત્ની તથા તેમના સાથી શિવાનંદ જે હવે તો જેલમાં પહોંચ્યા છે તે પણ ખેડાના નથી. કેટલાં વર્ષોથી મૂંગી સેવાને તેમણે પોતાના જીવન અર્પણ કર્યાં છે. આ બધાં અને બીજાં જેમનાં નામો આપી શકું છું તેઓ બારડોલીની હાય સાંભળીને ત્યાં ગયાં છે. જો કમિશનરમાં આબરૂનો છાંટો પણ હોય તો તેમણે આ સજ્જનો અને સન્નારીઓની સ્વેચ્છાએ માફી માગવી જોઈએ. . . .

“સરકારને હું ખાતરી આપું છું કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ખેડાની તગાવી વસૂલ થવામાં કશી મુશ્કેલી નહીં આવે. એ નહી ભરાય તો તે વસૂલ કરવા માટે ‘ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગર પગારના કલેક્ટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા સેવકોનું અપમાન કરવાની અને જૂઠાણાં બોલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારો નહીં ધરી શકે, અને બારડોલીના વધારા જેવા ભયંકર, અયોગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે.”

કમિશનરના કાગળથી અને ગાંધીજીએ આપેલા તેના જવાબથી બારડોલી હિંદુસ્તાનમાં ગવાવા માંડ્યું. પણ સરદારને બારડોલીની લડત વ્યાપક નહોતી બનાવવી. રાજાજી અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં જ અમદાવાદ આવ્યા હતા. તેમને બારડોલી જવાનું બહુ મન હતું. પણુ ગાંધીજીએ તેમને રોક્યા અને તેથી સરદાર બહુ રાજી થયા. આ જ અરસામાં મગનલાલ ગાંધીનો દેહાંત થયો અને સરદારને ગાંધીજીને મળવા અમદાવાદ આવવાની ઈચ્છા થઈ. તેમને પણ ગાંધીજીએ રોક્યા, એમ કહીને કે, ‘તમારાથી આજે બારડોલી ન છોડાય, પણ મારી હાજરી તમારા ખીસામાં સમજજો.’ પણ ગાંધીજી બારડોલી જાય તો બારડોલીની વધારે પ્રસિદ્ધિ થાય અને ઢગલો માણસો બારડોલીમાં ઊતરી પડે એ સરદાર નહોતા ઈચ્છતા.

ધારાસભાના સભ્યોને લાગ્યું કે હવે આપણે કંઈક કરવું જોઈએ. તેમણે ગવર્નરને વિનંતી કરીને લખ્યું : ‘તમે સરકારી અમલદાર તરફથી તપાસ