પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૨
સરદાર વલ્લભભાઈ



“મુંબઈના ઉત્તર વિભાગના કમિશનરે સુરતના એક દાક્તરને લખેલો પત્ર આ સમિતિએ વાંચ્યો છે. તેની અંદર કમિશનરે શ્રી વલ્લભભાઈ પટેલ, અબ્બાસ સાહેબ તૈયબજી અને ડૉ. સુમન્ત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકોને ‘લોકોના ઉપર જીવનારા, તેમને આડે રસ્તે દોરનારા, ચળવળિયાએાનાં ધાડાં’ તરીકે વર્ણવ્યા છે અને બીજા પણ ઘણી અતિશયતાભરેલાં એવાં વચનો છે, જે લગભગ જૂઠાણાં કહેવાય, એ કાગળને આ સમિતિ અતિશય અપમાનભરેલો અને એક ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારને ન છાજતો માને છે. તેથી આ સમિતિ મુંબઈ સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મંગાવીને તે ખેંચી લેવાને હુકમ કરો અને તેમ ન કરે તો તેને બરતરફ કરવો;
“વિશેષમાં, આ સમિતિ મુંબઈ સરકારને વિનંતી કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી; આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડ્યું છે એટલે પ્રજાને આ સમિતિ આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી.”

સરદાર કારોબારીની બેઠક વખતે મુંબઈ ગયા હતા. સૌએ તેમને ખૂબ જ આવકાર આપ્યો. તેમણે ઇચ્છ્યું હોત તો એ બધાને બારડોલી ખેંચી લઈ જઈ શકત પણ તેમણે કોઈને આગ્રહ ન કર્યો. છતાં ડૉ. અનસારી અને મૌલાના શૌકતઅલી બારડોલી ગયા. તેઓ સત્યાગ્રહીઓની શિસ્ત અને સંગઠન જોઈ બહુ ખુશ થયા. પારસી ખાતેદારો ઉપર ગુજરેલા ત્રાસની વાતથી ખેંચાઈ શ્રી ભરૂચા અને શ્રી નરીમાન બારડોલી આવ્યા. બારડોલીમાં પઠાણોનો ત્રાસ જોઈ તેમના ઉપર એટલી અસર થઈ કે શ્રી નરીમાને પોતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહારો કર્યા :

“આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાન્તિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે ગમે તેમ હોય, બારડોલીમાં આજે પઠાણ અને મવાલીનું રાજ્ય છે. મુંબઈમાં જે પઠાણોની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચોકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણો લાવીને સરકારે પોતાની લાજ જેટલી ખોઈ છે તેટલી બીજી કોઈ પણ રીતે ન ખાઈ હોત.”

તા. ર૭મી મેએ સુરત જિલ્લા પરિષદ સુરતમાં શ્રી જયરામદાસ દોલતરામના પ્રમુખપણા નીચે ભરાઈ. આવી પરિષદ સુરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી. બારડોલીના સત્યાગ્રહ વિષે લોકોનો કેટલો ઉત્સાહ હતો તે જાણવાને માટે આ અપૂર્વ દૃશ્ય પૂરતું હતું. બારડોલીના ગામડાં નજરે જોયા વિના પ્રમુખપદ લેવું શ્રી જયરામદાસને ઠીક નહીં લાગેલું, એટલે તેમણે ઘણાં