પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૭
બારડોલી સત્યાગ્રહ


બારડોલી દિન આખા દેશમાં ખૂબ ઉત્સાહથી ઊજવાયો. બારડોલીના લોકોએ વીસ કલાકના ઉપવાસ અને પ્રાર્થના કર્યા, મુંબઈના યુવકોએ ઘેરઘેર ફરી ઉઘરાણાં કર્યા. અમદાવાદના મજૂરોએ આના આનાની રસીદો કાઢી દોઢ હજાર રૂપિયા એકઠા કર્યા, બારડોલીના સત્યાગ્રહ કાર્યાલયમાં તો ચેક અને મનીઑર્ડરનો વરસાદ વરસ્યો. આ બધાં સ્વેચ્છાથી આવતાં દાન ઉપરાંત કેટલાક દાતાઓ પાસે મણિલાલ કોઠારી જેવા ભિક્ષુ પહોંચ્યા. તેમણે મુંબઈના બૅરિસ્ટર અને વકીલો પાસે મોટી મોટી રકમ કઢાવી. સારો ચેક ન આપો તો તમારી મોટરકાર આપો, અને તે આપી ન દો તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપો. આમ કરીને તાલુકામાં કાયકર્તાઓને ફરવા માટે તેમણે ચાર મોટરકાર મેળવી અને સત્યાગ્રહ ફાળાને બે લાખ સુધી પહોંચાડ્યો.

૧૦

અત્યાર સુધીમાં ખાલસા નોટિસની સંખ્યા પાંચ હજાર ઉપર પહોંચી. હવે સરકારે ખાલસા થયેલી જમીન છાનીછપની વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢોંગ આદર્યા. ગામેગામ લોકોએ ઠરાવ કર્યો કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈએ ખેડવી નહીં અને મજૂરીની કે બીજી કોઈ પ્રકારની મદદ કરવી નહીં. બારડોલી બહારના એક પારસીએ થોડી જમીન ખરીદી. તેમની કોમના અને શહેરના માણસોએ તેમના કડક બહિષ્કારનો ઠરાવ કર્યો. સરદારે ‘બારડોલી દિન’ નિમિત્તે બારડોલીમાં ભાષણ કરતાં આવા જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી :

“કોઈ પણ ખેડૂતની કે શાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી રહેશે ત્યાં સુધી આ લડતનો અંત નથી. તેના ઉપર તો હજારો ખેડૂતો પોતાનાં માથાં આપશે. એ કાંઈ ધર્મરાજાનો ગોળ લૂંટાતો નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ તો ખેડૂતનું લોહી પીવા આવવાનું છે. તેમ કરનારનો ઇનસાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવો કરે તે ન ભૂલજો. મફતમાં જમીન લેવા આવનારની દશા પેલા નાળિયેર લેવા જનારા લોભિયા બ્રાહ્મણના જેવી થવાની તે ખચીત માનજો.”

મોતાના એક સજ્જનને ડેપ્યુટી કલેક્ટરે અનેક વાર સમજાવ્યા: ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે, એ વાડીને હરાજ કરાવવાનું મારાથી શે બને ? માટે મહેરબાની કરીને મહેસૂલ ભરી દોની. કોઈને જરાય ખબર નહીં પડવા દઉં.’ પેલા સજ્જન અડગ રહ્યા. એટલે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું, તમારા મિત્રે તેમના તરફથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. પેલા પેન્શનર ભોળવાયા નહીં અને તપાસ કરી જોઈ તો વાત ખોટી નીકળી. મોતામાં જઈને