પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૦
સરદાર વલ્લભભાઈ

ગોળીબાર અને હાડકાનાં ખાતરો વગેરે વાત શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.”

૧૧

શ્રી કનૈયાલાલ મુનશી તે વખતે મુંબઈ ધારાસભાના સભ્ય હતા. તેમણે ગવર્નરને કાગળ લખીને વીનવ્યા કે તેઓ બારડોલીની બાબતમાં વચ્ચે નહીં પડે તો મુદ્દો છે તે કરતાં બદલાઈ જશે અને બહુ મોટું રૂપ ધારણ કરશે. પોતાના કાગળના આરંભમાં તેમણે જણાવેલું કે પોતે બંધારણીય ઉપાયોમાં માનનાર તરીકે કાગળ લખે છે, ‘કર ન ભરનાર અસહકારી તરીકે નહીં.’ ગવર્નરે તેમને લાંબો ઉત્તર આપ્યો. તેમાં જણાવ્યું કે, ‘બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.’ ‘લોકોની તકરાર પછી ફરી તપાસ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદાર તેમની જગ્યાએ આવ્યા. તેઓ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળ તપાસી ગયા છે અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો વગેરે બાદ કરીએ તો પણ માલના ભાવ, જમીનની વેચાણ કિંમત વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તે કરતાં ઓછો છે. જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ કશું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાતરી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયી જ નહીં પણ ઉદારતાભર્યું છે.’ એટલે શ્રી મુનશીએ જવાબ આપ્યો કે, ‘આપ નામદાર કહો છો એ વાત સાચી હોય તો સ્વતંત્ર તપાસ કમિટી નીમીને પોતે ન્યાયી અને ઉદાર છો એવું પ્રજા પાસે કબૂલ કરાવવાની તક સરકાર શા સારુ નથી લેતી ?’ હવે ગવર્નરે સરકારના મનમાં ખરું શું હતું તે જણાવ્યું. ‘તમે સૂચવો છો તેમ સરકાર રાજવહીવટ ચલાવવાનો પોતાનો નિર્વિવાદ અધિકાર કોઈ સ્વતંત્ર કમિટીને શા સારૂ સોંપી દે ? દરેક રીતે પરિસ્થિતિને પહોંચી વળવાને હું ઇંતેજાર છું. પણ કોઈ પણ સરકાર ખાનગી શખ્સને પોતાની લગામ સોંપી દઈ ન જ શકે. એવું થવા દે તો સરકાર સરકારના નામને લાયક ન રહે.’

આ વિચિત્ર વિધાનના જવાબમાં ગાંધીજીએ ફરી એક વાર લોકપક્ષનું સત્ય સ્વરૂપ વ્યક્ત કરનાર લેખ લખ્યો અને સરકારે ધારણ કરેલી ખોટી વૃત્તિને ઉઘાડી પાડી :

“ગવર્નર સાહેબ કહે છે કે રાજ્ય અને પ્રજાની વચ્ચે સ્વતંત્ર તપાસ હોય જ નહીં. આમ કહીને તેઓ સાહેબ લોકોની આંખમાં ધૂળ નાખે છે. સ્વતંત્ર તપાસ પણ સરકારી તપાસ હશે. ન્યાય ખાતું કારોબારી ખાતાથી