પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૧
બારડોલી સત્યાગ્રહ

સ્વતંત્ર છે છતાં તે પણ સરકારી ખાતું છે. કમિટીની નિમણૂંક લોકો કરે એમ કોઈએ માગ્યું નથી. પણ તટસ્થ અમલદારો પાસે જેમ અદાલતોમાં તપાસ ચાલે છે તેમ બારડોલીની મહેસૂલના કેસની તપાસ થાય એવી લોકોની માગણી છે. આમાં સરકારને રાજ્યની લગામ છોડી દેવાની વાત નથી, પણ જોહુકમી, નાદીરશાહી છોડી દેવાની વાત અવશ્ય છે. જો લોકોને સ્વરાજ્ય મળવું છે ને તેમણે તે મેળવવું છે તો આ નાદીરશાહીનો સર્વથા નાશ થવો જ છે.

“આ દૃષ્ટિએ બારડોલીની લડતે હવે વ્યાપક સ્વરૂપ પકડ્યું છે અથવા આપણા સદ્‌ભાગે સરકારે તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
“સત્યાગ્રહનું શસ્ત્ર ગેરકાયદે છે એવી શ્રી મુનશીની કબૂલાત દુ:ખકર છે. તે હવે પંકાઈ ગયેલું શસ્ત્ર ગણાય. દક્ષિણ આફ્રિકામાં જ્યારે તેનો ઉપયોગ થયો ત્યારે લૉર્ડ હાર્ડિંગે તેનો બચાવ કર્યો હતો. ચંપારણમાં બિહારની સરકારે તેનો સ્વીકાર કરી કમિટી નીમી હતી. બોરસદમાં શ્રી વલ્લભભાઈએ એ જ શસ્ત્રનો ઉપયોગ કર્યો, ને હાલના જ ગવર્નર સાહેબે તેને માન આપી લોકોને દાદ આપી હતી. હવે તે શસ્ત્ર કેમ કાયદાવિરુદ્ધ ગણવું તે ન સમજાય તેવું છે. પણ સત્યાગ્રહ કાયદા વિરુદ્ધ હોય કે ન હોય એ અત્યારે પ્રસ્તુત સવાલ નથી. લોકોની માગણી વાજબી હોય, તો લોકોની માગણી કરવાની રીત ગમે તેવી હોય તેથી તેની યોગ્યતા ઓછી નથી થતી.”

ગર્વનરનો જવાબ ચુસ્ત બંધારણવાદીને સંતોષ આપે એવો નહોતો. શ્રી મુનશીએ એ વાતને એટલેથી ન છોડી. તેમણે ગવર્નરની મુલાકાત લીધી અને એ મુલાકાતથી પણ જ્યારે એમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ વસ્તુસ્થિતિ નજરે નિહાળવાનો નિશ્ચય કર્યો. તેમણે બારડોલીમાં આવીને ઘણાં ગામોની મુલાકાત લીધી, ઘણી સભામાં હાજરી આપી, ઘણાં સ્ત્રીપુરુષો સાથે વાતચીત કરી અને એ તપાસને પરિણામે ‘પોતાનો વિરોધ દર્શાવવાનો અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુ:ખદાયક આવશ્યકતા ઉભી થયેલી’ તેમને લાગી. તેમણે તા. ૧૭મી જૂને ગર્વનરને એક વીરતાભર્યો કાગળ લખ્યો જે આ લડતના ઈતિહાસમાં એક મહત્ત્વના દસ્તાવેજ તરીકે રહી જશે. દેશનાં તમામ પત્રોમાં એ છપાયો. એ પત્રમાંથી થોડાક ફકરા નીચે આપ્યા છે :

“ત્યાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરૂષો અને બાળકો સુસંગઠિત વિરોધ કરવાની અડગ વૃત્તિથી બેઠેલાં છે. આપના જપ્તીઅમલદારને હજામ મેળવવા માટે માઈલો સુધી રવડવું પડે છે. આપના એક અમલદારની મોટર કાદવમાં ખૂંચી ગઈ હતી તે, આપના કહેવા પ્રમાણે લોકો ઉપર જીવનાર ચળવળિયો’ શ્રી વલ્લભભાઈ ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હોત. શ્રી ગાર્ડા, જેની હજારોની કિંમતની જમીન પાણીને મૂલે વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડું કાઢનાર ભંગી મળતો નથી. કલેક્ટરને રેલવે સ્ટેશન ઉપર એક વાહન પણ મળતું નથી, સિવાય કે શ્રી વલ્લભભાઈ તેની પરવાનગી