પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૨
સરદાર વલ્લભભાઈ

આપે. મેં જે થોડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી નથી મળી જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તો પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. . . . સરકારી અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તો ઊભી કરેલી બનાવટી ચળવળ છે અને લોકો ઉપર એમની મરજી વિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાખવાના આપની સરકારના પ્રયત્નોની લોકો ઠેકડી કરે છે. . . . આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારના અને આપની સરકારના હૃદયમાં કંઈ નહીં તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા જાગે. . . . પોતાનાં વહાલાં ઢોર લૂંટાઈ જતાં બચાવવા માટે સ્ત્રી, પુરુષો અને બાળકો આ ઢોરો સાથે ત્રણ ત્રણ મહિના થયાં પોતાનાં નાનાં અને અનારોગ્ય ઘરોમાં પુરાઈ રહ્યાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામોમાં થઈને હું પસાર થયો ત્યારે ત્યાં એક ચકલું ફરકતું નહોતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લોકોએ પહેરેગીરો ગોઠવેલા હતા. રખે જપ્તી અમલદાર આવતા હોય એવા ભયથી સ્ત્રીઓ બારીઓના સળિયામાંથી કોઈ કોઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાતરી થઈ કે હું જપ્તીઅમલદાર નહોતો ત્યારે તેમણે પોતાના મકાનનાં બારણાં ઉઘાડ્યાં અને મને અંદર લીધો. જ્યારે મેં એ ઘરોમાંનું અંધારું, છાણ-વાસીદું અને દુર્ગંધ જોઈ, જપ્તી અમલદારોની નિષ્ઠુરતાનો ભોગ થવા દેવા કરતાં રોગથી પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં, દુ:ખી એવાં ઢોરો જોયાં. તેમની સાથે એક જ ઓરડામાં ગોંધાઈ રહેવાનું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને બાળકોની પોતાના વહાલા ઢોર ખાતર હજી પણ લાંબો સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડ્યું કે જપ્તીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારનો, એને અમલ કરનારની કડકાઈનો અને એની મંજૂરી આપનાર રાજનીતિનો જોટો મધ્યકાલીન યુગના ઇતિહાસનાં પાનાં સિવાય બીજે ક્યાંય જડવો મુશ્કેલ છે. . . .

“કાયદાનો કેવળ શબ્દાર્થ કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સખ્ત સજાઓ, ગર્વિષ્ટ જાહેરનામાંની ગર્જનાઓ તથા સરકારનાં ખાંડાંના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના બીજું કશું નીપજતું નથી.”

પોતાના પત્રના અંતભાગમાં બારડોલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પોકળપણું તેઓ દર્શાવે છે અને કહે છે કે કોઈ પણ રીતે બહુમતી મેળવીને સરકારે હરકોઈ બંધારણવાદીને સરકારપક્ષમાં ઊભા રહેવું મુશ્કેલ કરી મૂક્યું છે. અને તેથી ‘ધારાસભામાંથી મારી જગ્યાનું રાજીનામું આપીને મારા આખા પ્રાંતવ્યાપી મતદારમંડળને (કારણ તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય હતા) અપીલ કરી આ મુદ્દા ઉપર પોતાનો નિર્ણય જાહેર કરવાનું સૂચવવું એ જ જવાબ મારે આપવાનો રહે છે.’