પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સરદાર વલ્લભભાઈ


હવે વધારે ગભરાયો. તેણે પાકીટ ફોડ્યું તો એમાં સાક્ષી તરીકે પહેલું નામ એ મૅજિસ્ટ્રેટનું જ હતું. જે સ્ત્રીનું ખૂન થયાનો આરોપ હતો તે જ સ્ત્રીને સાક્ષી તરીકે ટાંકી હતી અને એમાં બીજી કેટલીક ચીજો પણ પેલા મૅજિસ્ટ્રેટને ગભરાટમાં અને વિમાસણમાં નાખે એવી હતી. આ બધું જોઈ મૅજિસ્ટ્રેટ પાણીથીયે પાતળો થઈ ગયો. પોલીસના ઘણા સાક્ષીઓ ઉપર ઇતબાર કરવાની તેણે ના પાડી અને તેમની વિરુદ્ધ ટીકાઓ કરી. પણ પ્રથમ દર્શની પુરાવે કેસ સેશન્સ કમિટ કરવો જોઈએ એટલે કર્યો. સરદારને એટલું જ જોઈતું હતું. સેશન્સમાં પહેલે જ દિવસે એ કેસ ઊડી ગયો.

૩. વડોદરા રાજ્યની હકૂમત નીચેના એક નાના દેશી રાજ્યનો ઠાકોર પુત્રસંતાન વિના ગુજરી ગયો. એટલે મરનાર ઠાકોરના ભાઈને ગાદી મળવાનો હક થયેલ હોવાથી પોતાના નામ ઉપર સ્ટેટ ચઢાવવાની તેણે વડોદરા રાજ્યના સરસૂબાને અરજી કરી. ઠકરાણીને વિધવા થયે છ માસ થયા બાદ એનો ભાઈ બોરસદ તાલુકાના કોઈ ગામમાં એનું પિયર હતું ત્યાં લઈ આવ્યો. ઠકરાણીનો બાપ ગામનો મુખી હતો. તેને થયું કે મરનાર ઠાકોરનો ભાઈ ગાદીએ આવે અને પોતાની દીકરીને થોડી જિવાઈ જ મળે એ કેમ ખમાય ? એટલે પોતાની દીકરીને મહિના છે એવી વાત તેણે ચલાવી અને નવ મહિના પૂરા થયે એની સુવાવડ કરી કોક નવા જન્મેલા છોકરાને વેચાતો લઈ એની સોડમાં મૂકી દીધો. પાતે મુખી હોઈ પોતાના હસ્તકના જન્મમરણ પત્રકમાં પોતાની દીકરીને છોકરો જન્મ્યાની ખોટી નોંધ કરી અને વડોદરે સરસૂબાને તાર કરી નવા જન્મેલા વારસને નામે સ્ટેટ ચઢાવવા અરજી કરી. મરનાર ઠાકોરના ભાઈને આ બધું તરકટ લાગ્યું. કારણ છ મહિના સુધી વિધવા બાઈ પોતાને ઘેર હતી તે વખતે એને દહાડા હોવાની કશી વાત જાણવામાં નહોતી આવી. એટલે આ તરકટથી પોતાનો હક માર્યો ન જાય તેનો શો ઉપાય કરવો તે માટે અમદાવાદ જઈ ત્યાંના મોટા મોટા વેકીલની સલાહ લીધી. સૌ તેને દીવાની દાવો માંડવાની સલાહ આપવા લાગ્યા. છેવટે એ બોરસદમાં સરદાર પાસે ગયો. તેમણે તો તરત જોઈ લીધું કે દીવાની દાવો કરવાથી કશું વળે નહીં. કારણ ગમે તેટલી ઉતાવળ કરવામાં આવે તો પણ ઓછામાં ઓછા વરસ દહાડા પહેલાં દીવાની દાવો નીકળે નહીં. ત્યાં સુધીમાં તે બાઈને પ્રસૂતિ થઈ હતી કે નહીં તેની કશી ખબર દાક્તરી તપાસમાં પણ પડી શકે નહીં અને કશું પુરવાર થઈ શકે નહીં. કોઈ પણ રીતે તાબડતોબ બાઈની દાક્તરી તપાસ કરવામાં આવે તો જ ખરી હકીકત પકડાય. એટલે એમણે તો બોરસદના રેસિડેન્ટ મૅજિરટ્રેટની કોર્ટમાં બાઈના બાપ, ભાઈ તથા બાઈ એ ત્રણ ઉપર ફોજદારી કરાવી. આરોપ એ મૂકયો કે જે વસ્તુ હકીકતમાં બની જ નથી તે બની છે એમ જાહેર કરી