પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૭
બારડોલી સત્યાગ્રહ

તેણે તાજુબી બતાવી. ઢોરોની દુર્દશા, તેમના શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો વગેરે જોઈને તે થથરી ગયો. પણ તેનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ ન હતી. એટલે જ તેણે જડતાથી ટીકા કરી કે વલ્લભભાઈએ ઢોર ઉપર અત્યાચાર કર્યો છે.”

આ ખબરપત્રીએ પોતાના લેખનાં મથાળાં આવાં કર્યા હતાં : ‘બારડોલીના ખેડૂતોનો બળવો’, ‘બારડોલીમાં બોલ્શેવિઝમ’, વગેરે. સરકારને એણે ચેતવણી આપી : ‘વલ્લભભાઈને બારડોલીમાં સોવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનીનનો ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસનો પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી બારડોલીમાં શાંતિ થવી અશક્ય છે.’ પણ એના લેખોમાંની સત્ય, અસત્ય અને કલ્પનાઓના ગોળાઓથી ભરેલી વિગતોમાંથી કેટલીક સાચી હકીકત સહેજે તરી આવતી હતી. તેમાંથી આ ધ્વનિ નીકળતો હતો : ‘વલ્લભભાઈ પટેલે તાલુકાના મહેસૂલીતંત્રના સાંધે સાંધા ઢીલા કરી નાખ્યા છે. એંશી પટેલો અને ઓગણીસ તલાટીઓએ રાજીનામાં આપ્યાં છે; અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના બેઠા છે, તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી. વલ્લભભાઈ એ લોકોને એવા તે બહેકાવી મૂક્યા છે કે કોઈ માનતું જ નથી કે મહેસૂલવધારો સરકાર કદી લઈ શકે.’ આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ ભક્તિ, સ્વયંસેવકોની કડક શિસ્ત, છાવણીઓની સુંદર વ્યવસ્થા, લોકોની અપાર વિટંબણા, એ બધાનો પણ એના લેખમાંથી ખ્યાલ આવતો હતો.

આ લેખોનું એક પરિણામ એ આવ્યું કે બ્રિટિશ સિંહ તેની નિદ્રામાંથી જાગ્યો. લૉર્ડ વિન્ટરટને આમની સભામાં બારડોલીના સત્યાગ્રહની સમીક્ષા કરતાં જણાવ્યું કે, શ્રી વલ્લભભાઈને થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂતો મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા માંડ્યાં છે. સર માઈકલ ઓડવાયર બોલ્યા કે, ‘કાયદો પૂરા જોસથી અમલમાં મુકાવો જોઈએ.’ ૧૩મી જુલાઈએ મુંબઈના ગવર્નરને વાઈસરૉયને મળવા સિમલા જવું પડ્યું. ત્યાં જવામાં જ રખેને પ્રજા એમ કહે કે, ‘નમી ગયા,’ તેથી સરકારી ખબર ખાતાએ લખ્યું કે, ‘ગવર્નર સાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું સર્વોપરીપણું કાયમ રાખવાની છે. પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણા લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.’

ગવર્નર સાહેબ જ્યારે નામદાર વાઈસરૉય સાથે સિમલામાં મસલત ચલાવી રહ્યા હતા, ત્યારે સરદાર અમદાવાદની જિલ્લા પરિષદમાં મોટી મેદની સમક્ષ ભાષણ આપી રહ્યા હતા. આ પરિષદના મંડપમાં જ સરદારને કમિશનર તરફથી આમંત્રણ મળ્યું કે ગવર્નર સાહેબ તા. ૧૮મીએ સવારે સુરત આવે છે અને