પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૮
સરદાર વલ્લભભાઈ

બારડોલી સત્યાગ્રહીઓના બાર પ્રતિનિધિઓ સાથે તેઓ સુરત મુકામે ગવર્નર સાહેબને મળે. સરદારે આ આમંત્રણ તરત સ્વીકાર્યું અને પોતાની સાથે અબ્બસ સાહેબ તૈયબજી, સૌ. શારદાબહેન મહેતા, સૌ. ભક્તિલક્ષ્મી દેસાઈ કુમારી મીઠુબહેન પીટીટ અને શ્રી કલ્યાણ઼઼ઈભાઈ મહેતા — એટલાને લઈ ૧૮મીની સવારે તેઓ ના. ગવર્નરને મળ્યા. દિવસમાં બે વખત ત્રણ ત્રણ કલાક ગવર્નરની સાથે વાત થઈ. વધારેલું મહેસુલ ખેડૂતો પ્રથમ ભરી દે, અથવા તેમના તરફથી કોઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ સરકારી તિજોરીમાં અનામત મૂકે એ બાબતમાં ગવર્નર બહુ જ મક્કમ જણાયા. બીજા મુદાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ લાગ્યું અને સમાધાનની શક્યતા ન જણાઈ. એટલે સરદારે ગવર્નરને વિનંતી કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પોતાના સાથીઓ સાથે મસલત કરીને તેનો જવાબ તેઓ આપશે. સમાધાનની આવશ્યક શરતે સરકારે નીચે પ્રમાણે જણાવી :

૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે; અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તિજોરીમાં અનામત મૂકે.
૨. જમીનમહેસૂલ નહીં ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે.

જો આ બે શરતો સ્વીકારવામાં આવે તે આંકડાની ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાનો જે આક્ષેપ છે એ સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહીં ધરાવતા એવા કોઇ રેવન્યુ અમલદાર મારફત થાય, અથવા તો રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાનો અમલદાર પણ હોય, અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તો ન્યાયખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય.

આ શરતોમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું ન હતું. નહીં તો ‘આંકડાની ગણતરીની તપાસ’ એવી ઘેલી વાત કરે ? અને વધારાના પૈસા અનામત મૂકવાની માગણીને તો દેશમાં વિનીતપક્ષના એક્કેક નેતાએ પણ ટેકો નહોતો આપ્યો. ‘પાયોનિયર’ અને ‘સ્ટેટસમેન’ જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકો નહોતો આપ્યો. ગાંધીજીએ એ વિષે કહ્યું: ‘સરકારી હૃદય જ પીગળ્યું નથી; તો પરિવર્તનની વાત જ ક્યાં કરવી ? એ હૃદય તો પથ્થરથીયે કઠણ બની ગયું છે.’ પણ સત્યાગ્રહીથી તો સંધિનો એકે માર્ગ જતો ન કરાય. એટલે સરદારે પોતાની શરતો જણાવી :

૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ.
૨. ખાલસા જમીન, પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર સરકારમાં દાખલ થઈ હોય, બધી તેના ખરા માલિકને પાછી મળવી જોઈએ.