પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૪
સરદાર વલ્લભભાઈ

સર ચૂનીલાલ મહેતાના અતિથિ થવાનો આગ્રહ હતો. એટલે એ તેડામાં સર ચૂનીલાલની સૂચના અથવા સંમતિ હોવી જ જોઈએ. સરદાર સમાધાનીની વાતથી કંટાળ્યા હતા પણ સત્યાગ્રહીથી સમાધાનીની ના પડાય નહીં એટલા ખાતર તેઓ ગયા. સાથે સાથે તારથી રા○ સા○ દાદૂભાઈ ને જણાવ્યું : ‘છાપાં વગેરેમાંથી તો કોઈની કાંઈ કરવાની દાનત હોય એવું દેખતો નથી. છતાં ગુજરાતના સભ્યના બોલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.’ પૂનામાં સમાધાનીની જે ભાંજગડ થઈ તેમાં સરદારના સ્વભાવની એક બહુ ઉમદા બાજુ વ્યક્ત થાય છે. તે આખી જ ભાંજગડ મહાદેવભાઈના શબ્દોમાં નીચે આપી છે :

“3જી અને ૪થી ઑગસ્ટે સર ચૂનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધુ આપવું શક્ય નથી, શક્ય હોય તોપણ આપવું શાભે એમ નથી. પણ, મુખ્ય હકીકત સંક્ષેપમાં સૌના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તો તેણે સુરતના સભ્યોને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તો શ્રી વલ્લભભાઈ સાથે. સુરતના સભ્યો અને તેમની સાથે કામ કરી રહેલા બીજા સભ્યોએ આખર સુધી કશું વચન આપવાની અથવા શ્રી વલ્લભભાઈને કશા વચનથી બાંધવાની ના જ પાડી, એ વસ્તુ એમને શોભાવનારી હતી. સર ચૂનીલાલને ત્યાં વાટાઘાટો ચાલ્યાં કરતી હતી ત્યારે જ સૌને લાગી ગયું હતું કે સમાધાન કરવાની ઉત્કંઠા સુરતના સભ્યો કરતાં સરકારની ઓછી નહોતી, પણ સરકારનો હાથ ઊંચો રહે એવી કંઈક શબ્દજાળ શોધવાની ભાંજગડ જરા જબરી હતી. એક સીધો સાદો ખરડો શ્રી વલ્લભભાઈએ તૈયાર કર્યો, પણ તે સર ચૂનીલાલને પસંદ ન પડ્યો. તેઓ સરકારના બીજા સભ્યોની સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે તેઓ એક કાગળનો ખરડો લઈ ને આવ્યા, જે સુરતના સભ્યો સરકારને લખે એવી તેમની સૂચના હતી :
“અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.”
“વલ્લભભાઈએ કહ્યું : ‘જે સભ્યો આ કાગળ ઉપર સહી કરશે તે શી રીતે એમ કહી શકે કે શરતો પૂરી કરવામાં આવશે, જ્યારે તપાસસમિતિ નીમવામાં આવે એ પહેલા એ શરતો તો પૂરી કરવાની છે? એમણે તો એમ કહેવું જોઈએ ના કે શરતો પૂરી કરવામાં આવી છે ? અને તેમ એ લોકો શી રીતે કહી શકે ? કારણ, શરતો પૂરી કરવાની તો અમારે છે. અને અમે તો આ તપાસમમિતિ ન મળે ત્યાં સુધી જૂનું મહેસૂલ પણ આપવાને તૈયાર નથી.”
“એની તમારે શી ફિકર છે ?” સર ચૂનીલાલે કહ્યું : ‘એટલો કાગળ સહી કરીને મોકલવામાં આવે એટલે થયું. એ સભ્યોને એટલો કાગળ મોકલવાને વાંધો ન હોય તો પછી એ શરતો કેવી રીતે, કોણ, ક્યારે પૂરી