પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૮
સરદાર વલ્લભભાઈ

પસંદ કરવામાં ભૂલ કરી ન હતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકોએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે, લડતને છૂંદી નાખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લોકોએ નમાવી; ચોથું એ કે, રેવન્યુ ખાતામાં મોટો માંધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાંત છતાં સરકારને નમવું પડ્યું; પાંચમું એ કે, ત્રણ ત્રણ ચાર ચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આવો મોટો વિજય પ્રાપ્ત થયો; છઠ્ઠું એ કે, સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતનો ત્યાગ કરી તત્ત્વ તરફ જ તાણ્યું હતું; અને છેલ્લું એ કે, જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથ નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાની કરવામાં પોતાથી થાય તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિ પ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈએ પોતાના લેખોમાં અને ભાષણોમાં સત્યાગ્રહીઓને તેમ જ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું.

૧૯૨૪માં આ જ ગવર્નરે હિંદુસ્તાનમાં આવતાંની સાથે બોરસદનું સમાધાન કરાવ્યું હતું. આ વખતે નોકરશાહીની જાળમાં તેઓ ફસાયેલા હશે એટલે લડત લંબાઈ છતાં છેવટે તેમાંથી તેઓ છૂટી શક્યા. બ્રિટિશ ગવર્નરોને પણ કેટલાં બંધનો અને મર્યાદામાં રહી કામ કરવું પડતું એનો ખ્યાલ આપણામાંથી બહુ થોડાને હોય છે. છતાં એ બંધનો સર લેસ્લી તોડી શક્યા એ તેઓની મહત્તા બતાવે છે.

૧૫

સમાધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી. સરદાર ઉપર અભિનંદનના તારો વરસ્યા અને દેશનાં સઘળાં વર્તમાનપત્રોમાં તેમની પ્રસંશાના લેખો ઊભરાયા. એ બધાનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી.

આમ સમાધાન તો થયું પણ નોકરશાહીને તે પસંદ નહોતું. તેમણે જૂઠાણાંનો ધોધ વહેવરાવ્યો[૧] અને સત્યાગ્રહ દરમિયાન જે ખેડૂતો પાસેથી


  1. ૧૯૨૯ની ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ની ‘ઈયર બુક’માં બારડોલીની લડત વિષે આવું લખ્યું છે : ‘બારડોલીના ખેડૂતોએ નવી આકારણી પ્રમાણે જમીન મહેસૂલ ભરવાની ના પાડી અને કેટલાક રાજદ્વારી નેતાઆની ઉશ્કેરણીથી બંધારણીય રાજસત્તા સાથે બાકરી બાંધી પણ સરકારે તેમને છેવટની ચેતવણી (અલ્ટિમેટમ) આપી એટલે તેઓ વેળાસર નમી પડ્યા.’ નવા ગવર્નરે ૧૯૨૯માં પોતાના ભાષણમાં કહ્યું : ‘સુરતના ધારાસભ્યોએ વધારાનું મહેસૂલ ભરવાની બાંયધરી આપી એટલે