પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૦
સરદાર વલ્લભભાઈ


થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું :

“અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં છૂટાછવાયા અજ્ઞાત ઘણા પડ્યા છે. તેમના ભાગ્યમાં જાહેરાત નથી. જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તો નાને મોઢે મોટી વાત કરવા જેવું છે — કોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કોઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યોતૂટ્યો મેળવેલો સંદેશો તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જો તમારામાં પ્રાણ આવ્યા, તો જો હું પૂરો પાળનારો હોત તો ૧૯૨૨ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હોત.”

આ વિજયથી આપણે ફુલાઈ ન જઈએ, વિરધીની પણ જેટલી કદર કરવા જેવી હોય તેટલી કરીએ, અને આપણી જૂની પ્રતિજ્ઞા ન ભૂલીએ, એ વિષેનાં ગાંધીજીનાં નીચેનાં વચનો બારડોલી તાલુકાઓ અને સૌ કોઈએ હંમેશ યાદ રાખવા જેવાં છે :

“અનેક વાર સરદારે તમને તેમ જ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોનો હૃદયપલટો નહીં થાય ત્યાં સુધી સમાધાન થવું શક્ય નથી. હવે સમાધાન થઈ શક્યું છે તો ક્યાંક હૃદયપલટો થયો જ હશે. સત્યાગ્રહી એવો ગર્વ સ્વપ્ને પણ ન કરે કે પોતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તો શૂન્ય. સત્યાગ્રહીનું બળ એ ઈશ્વરનું બળ છે. તેના મોંમાં એ જ હોય : ‘નિર્બલ કે બલ રામ.’ સત્યાગ્રહી પોતાના બળનું અભિમાન છોડે તો જ ઈશ્વર તેને મદદ કરે. ક્યાંક હૃદયપલટો થયો હોય તેને માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતો નથી.
“એ હૃદયપલટો ગવર્નર સાહેબનો થયો એમ પણ આપણે માનવું જોઈએ. જો તેમનો હૃદયપલટો ન થયો હોત તો શું થાત ? જે કંઈ થાત તેનું આપણને તો કશું દુઃખ નહોતું. આપણે તો પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તો૫ લાવે તોપણ આપણને તેની ચિંતા નહોતી. આજે જયનો ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષંતવ્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવર્નર છે એમ હું તમને મનાવવા ઇચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હોત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે બારડોલીના લોકને ગોળીબારથી ઉડાડી દેવા તો તે આપણને મારી શકત. તમારી તો પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તોપણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂઠ પણ