પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૧
બારડોલી સત્યાગ્રહ

બતાવવાના નથી, તમે તેમની ગોળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નર ઇચ્છ્યું હોત તો બારડોલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી બારડોલીનો તો જય જ થાત, પણ તે જુદા જ પ્રકારનો જય હોત. તે જય ઊજવવા આપણે જીવતા ન હોત; આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ એટલું કઠણ હૃદય આપણે કોઈમાં — અમલદારમાં પણ — ન ઇચ્છીએ. આ બારડોલી તાલુકાની જંગી સભા કે જયાં ૧૯૨રની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છે, ત્યાં આ વાત આપણે રખે ભૂલીએ.”

સરદારે પોતાના અમદાવાદના ભાષણમાં જે આત્મનિરીક્ષણ કર્યું છે તથા આટઆટલાં કષ્ટો વેઠનાર બારડોલીના ખેડૂતોની તથા પોતાના વફાદાર અને શિસ્તબદ્ધ સાથીઓની જે કદર કરી છે તે પણ સદા યાદ રહી જાય એવી છે:

“તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલ છે. હું ઈશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું છું કે તમે પ્રેમના આવેશમાં જે અતિશયોક્તિ ભરેલી વાતો મારે માટે લખી છે તે ન ગળી શકાય એવી છે. તમે સૌ જાણતા હશો કે મહાભારતમાં દ્રોણાચાર્યને એક ભીલ શિષ્ય હતો, જેણે દ્રોણાચાર્ય પાસેથી એક પણ વાત સાંભળી નહોતી. પણ ગુરુનું માટીનું બાવલું કરી તેનું પૂજન કરતો અને તેને પગે લાગી દ્રોણાચાર્યની વિદ્યા શીખેલો. જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી દ્રોણાચાર્યના બીજા કોઈ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ? કારણ કે એનામાં ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રદ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હતું, એનામાં લાયકાત હતી. મને તમે જેનો શિષ્ય કહો છો, તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિષે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિષે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત. મને આશા છે કે હિંદુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહીં કર્યા હોય, જેમણે એમના શરીરની નહીં પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ. કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિષે નિર્ભય છું. એમણે પોતે કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે. આપણે એ કરીશું તો એમને તો કશું કરવાનું રહેતું નથી. એમને જે આપવાનું હતું તે એમણે આપી દીધું છે. હવે આપણે એ કરવાનું રહેલું છે. બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા ને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને