પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૨
સરદાર વલ્લભભાઈ

કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્રા ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેણે સંયમ પાળ્યો અને તેમ કરીને હિંદુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા કોઈ ને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે, જેમણે મને કદી પૂછ્યું નથી કે કાલે તમે શો હુકમ કાઢશો? આવતી કાલે તમે શું કરવાના છો ? ક્યાં જવાના છો ? કોની સાથે સમાધાનની વાત કરવાના છો ? ગવર્નરના ડેપ્યુટેશનમાં કોને કોને લઈ જવાના છો ? પૂને જઈ ને શું કરવાના છો ? જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણ મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ જો આ માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાય અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.”

૧૬

તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને સરકારે તે કેવી શરતે સ્વીકારી તે અગાઉ કહેવાઈ ગયું છે. તા. ૧લી નવેમ્બરથી ન્યાયખાતાના અમલદાર મિ. બ્રૂમફિલ્ડ અને રેવન્યુ ખાતાના અમલદાર મિ. મેક્સવેલ પોતાના કામ ઉપર ચડ્યા. પાંચમી તારીખે શ્રી ભૂલાભાઈ દેસાઈએ તેમની આગળ લોકપક્ષનું વિવેચન કર્યું. પ્રારંભિક તૈયારી કર્યા પછી તપાસનું કામ ૧૪મી નવેમ્બરે શરૂ થયું તે જાન્યુઆરી મહિનાની આખર તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખર તારીખે ચર્યાસી તાલુકામાં પૂરું થયું. ચોર્યાસી તાલુકાના લોકોને સરદારે કહેલું કે, ‘બારડોલીના ખેડૂતો જે દુઃખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તો તેનો લાભ તમને પણ મળવાનો છે.’ આ વચનો સાચાં પડ્યાં. બારડોલીની સાથે ચોર્યાસીને પણ પોતાને થયેલો અન્યાય સાબિત કરવાની તક મળી. બારડોલીમાં પચાસ ગામો અને ચોર્યાસીમાં વીસ ગામોની તપાસ કરવામાં આવી.

લોકો તરફથી હકીકત રજૂ કરવાનું કામ સરદારે મહાદેવભાઈ, રામનારાયણ પાઠક તથા મને સોંપ્યું હતું. અમારી મદદમાં શ્રી મોહનલાલ પંડ્યા, કલ્યાણજીભાઈ, ચોખાવાળા વગેરે પુષ્કળ ભાઈઓ હતા. અમારાં પત્રકોની અને બીજી તૈયારીઓ જોઈને અમલદારોને અદેખાઈ થતી અને ઘણી વાર કહેતા : ‘તમારા જેવી તૈયારી અમારી પાસે નથી. સરકારે એવી સગવડ અમને નથી આપી. તમને તો આખો તાલુકો મદદ કરવાને તૈયાર છે.’ પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી