પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સરદાર વલ્લભભાઈ


કરવાની છે ? આ બધા લોહીઉકાળામાં છોડીનું બિચારીનું તો ધાવણે સુકાઈ ગયું. હવે શી તપાસ કરશો ?” સરદારે કહ્યું કે, “આ બાઈ દાક્તર આવ્યાં છે તેઓ જોઈએ તો બીજી બાઈઓની હાજરીમાં જ તપાસ કરશે.” મુખીએ કહ્યું કે, “હું કશી તપાસ કરવા દેવાનો નથી અને તમને ઘરમાં પેસવા દેવાનો નથી.” પણ તપાસના હુકમથી એ ગભરાયો તો ખરો જ અને કોઈ પણ રીતે કેસની માંડવાળ કરવા તૈયાર થયો. પણ ફોજદારી કાયદાની એવી કલમ મુજબ આરોપ હતો કે કોર્ટની પરવાનગી વિના ખાનગી રીતે માંડવાળ થઈ શકે નહીં. ફરિયાદી પાસે સરદારે કલેક્ટરને અરજી કરાવી કે મામલતદારે બરાબર ચોકસાઈથી તપાસ કરીને પોતાનો રિપોર્ટ કર્યો નથી; મેં રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આ બાબતની ફરિયાદ કરી છે તેમાં મેજિસ્ટ્રેટનો અભિપ્રાય મારી વિરુદ્ધ બંધાઈ જાય એ હેતુથી કશા પ્રયોજન વિના પોતાનો રિપોર્ટ રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની મારફત તેણે મોકલ્યો છે; વળી બાઈના બાપ બાઈની દાક્તરી તપાસ કરવા દેતા નથી. આ બધી હકીકત જાણી કલેક્ટર મામલતદાર ઉપર ખૂબ ગુસ્સે થયો, તેનો ખુલાસો માગ્યો અને કેસનું જે પરિણામ આવે તે પોતાને જણાવવા હુકમ કર્યો. રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ પણ સેશન્સ જજના હુકમથી તાબડતોબ દાક્તરી તપાસના હુકમ પોતાને કાઢવા પડેલા તેથી અને જે કેસને પોતે દીવાની સ્વરૂપનો કહેતો હતો તેની ફરિયાદ બહુ વાજબી અને જાહેર હિતની નીકળી તેથી નરમ પડી ગયો હતો. કલેક્ટરના હુકમથી ગભરાઈ મામલતદાર તથા મૅજિસ્ટ્રેટ બન્ને કાંઈ રસ્તો કાઢવાનું શોધવા લાગ્યા. સરદારની સંમતિ વગર રસ્તો નીકળી શકે એમ નહોતું, પણ એમને કહેવું શી રીતે ? અમલદારો સાથે સરદારે વહેવાર એવો રાખેલો કે એમને કશું કહેવાની હિંમત એ લોકો કરી શકતા નહીં. વિઠ્ઠલભાઈ મારફત એમને કહેવડાવવું એ એક જ રસ્તો હતો. પણ એમની સામે તો આ અમલદારોની ખટપટ ચાલતી હતી. વિઠ્ઠલભાઈની સામેના બધા આક્ષેપો ખેંચી લઈશું, ભવિષ્યમાં એમની બાબતમાં કદી આડા નહીંં આવીએ, અત્યાર સુધીના વર્તન માટે દિલગીર છીએ, એવું એવું ત્રીજા માણસ મારફત કહેવડાવી પૂરેપૂરી સુલેહ કરી નાખવા એ લોકોએ વિઠ્ઠલભાઈને ત્યાં ચાપાણી રખાવ્યાં. એમાં સરદારને બોલાવવાનું પણ નક્કી કર્યું. ત્યાં પેલા કેસની વાત પણ કાઢી. પ્રથમ તો સરદારે હાથ જ મૂકવા દીધો નહીં પણ છેવટે વિઠ્ઠલભાઈના આગ્રહથી એમની શરત પ્રમાણે રસ્તો કાઢવો એમ નક્કી કર્યું. પેલા છોકરો તો ખોટો હતો, એટલે જેનો હતો તેને પાછો આપી દેવો, ઠકરાણીનો છોકરો મરી ગયો એમ જાહેર કરી જન્મમરણના પત્રકમાં એ પ્રમાણે મુખીએ નોંધ કરવી, વડોદરે સાસુમાને છોકરો મરી ગયાની મુખીએ ખબર આપવી, છોકરાનાં માબાપને છોકરાના ભરણપોષણ માટે સરદાર ઠરાવે એ રકમ આપવી, એ બધું સરદારના