પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૪
સરદાર વલ્લભભાઈ


કરનારા અમલદારોને બતાવી આપ્યું કે શ્રી જયકરના આંકડા તો તારવી કાઢ્યા વિનાના કુલ ગણોતના આંકડા કરતાં પણ વધારે છે. તેમણે પોતાના શિરસ્તેદાર પાસે ફરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણોતનો આંકડો કઢાવ્યો. અમારા બતાવ્યા પ્રમાણે એ આંકડા કરતાં શ્રી જયકરના રિપોર્ટનો આંકડો વધારે હતો. આમ પ્રથમ ગ્રાસે મક્ષિકા જોઈને અમલદારો ચેત્યા ખરા, પણ ન્યાયનો સિદ્ધાંત છે કે ન્યાયાધીશે હંમેશા ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ. એ ન્યાયને અનુસરીને શ્રી જયકરે અને મિ. ઍન્ડર્સને બરાબર તપાસ કરી નથી એમ તેમને મનાવતાં અમને પંદર દિવસ લાગ્યા. વળી મિ. બ્રૂમફિલ્ડ એમ માનતા જણાયા કે ખેડૂતો તો જૂઠું જ બોલે. એક ગામે જ્યારે અમે કહ્યું કે અહીં કશી તપાસ થઈ જ નથી એટલે મિ. બ્રૂમફિલ્ડ કહે, ‘હા, એમ ખેડૂતો કહે છે, જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.’ અમે કહ્યું : ‘તેઓ સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.’ એટલે તેમણે પૂછ્યું : ‘ત્યારે શું આ ગામે શ્રી જયકર આવેલા જ નહીં?’ અમે કહ્યું : ‘અમે કહીએ તે કરતાં તમે જ ખેડૂતોને પૂછી જુઓ.” એટલે તેમણે લોકોને પૂછ્યું. પટેલ તલાટી બન્ને એ જવાબ આપ્યો : ‘સાહેબ, જયકરનું મોં જ કોણે જોયું છે ?’ એટલે મિ. બ્રૂમફિલ્ડે પૂછ્યું : ‘આ લોકો જાણે છે તો ખરાને કે જયકર કોણ છે?’ એટલે લોકોએ કહ્યું : ‘જયકર પ્રાન્ત અમલદાર હતા એમ સાંભળ્યું છે પણ એમનું મોં જોયું હોય તો ખબર પડે ને કે એ કોણ હતા ?’ પછી તો દરેક ગામે મિ. બ્રૂમફિલ્ડ અહીં જયકર આવેલા કે નહીં એ સવાલ પૂછતા. અને ઘણે ઠેકાણે ‘અહીં કોઈ આવ્યું જ નથી કે કશી તપાસ થઈ જ નથી’ એવા જવાબ મળતા. વળી તારવ્યા વિનાના ગણોતના આંકડા અને શ્રી જયકરના કહેવાતા તારવેલા આંકડા પણ શિરસ્તેદાર પાસે તેઓ ગણાવતા. એકંદરે એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા. આવા આંકડા ઉપર આધાર રાખી સેટલમેન્ટ કમિશનર મિ. ઍન્ડર્સને પોતાની ભલામણ કરી હતી. અમુક ગણોતો અમુક ગામોએ જઈને પોતે તપાસ્યાં છે. એમ મિ. ઍન્ડર્સને પોતાના રિપોર્ટમાં લખ્યું છે તે ગણોતો એ સાહેબે પણ નહોતાં તપાસ્યાં એમ તપાસમાં માલુમ પડ્યું.

અમે બધે ખેતીના નફાતોટાને હિસાબ આપતા હતા. એ આંકડામાં ખોટ આવતી જોઈને અમલદારને મૂંઝવણ થવા માંડી. બેત્રણ ગામોએ અમારી તેમણે ખૂબ ઊલટતપાસ કરી, ખેડૂતોની ઊલટતપાસ કરી અને એક દૂબળાને પણ તપાસ્યો, એ હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરાબર છે કે નહીં. પણ આ ઊલટતપાસથી તેઓ અમારા હિસાબમાંથી એક કાંકરી પણ ખેરવી શક્યા નહીં. એટલે એક દિવસ અમારી સાથે બહુ નિખાલસપણે ચર્ચા કરી: