પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૬
સરદાર વલ્લભભાઈ


મેળવી રાખતા કે અમને ઘણી વાર તેમની મદદથી સાચી અને ચોક્કસ માહિતી મળી શકી, જો એમ ને એમ ન જ મળી શકી હોત. ખરા દિલથી અને નિષ્પક્ષ ભાવે આપવામાં આવેલી આ મદદ આ તપાસમાં અમને ખરી મૂલ્યવાન થઈ પડી એમ બૂલ કરતાં અમને આનંદ થાય છે.”

શ્રી જયકરે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ૧૯૦૧થી ૧૯રપનાં બધાં ગણોતો તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યાં છે. અમલદારોને અનુભવે જણાયું કે થોડાં વર્ષનાં ગણોતોની માહિતી મેળવતાં આટલો સમય જાય છે તો પચીસ વર્ષની માહિતી આટલા ટૂંક સમયમાં મેળવવી જ અશક્ય છે. થોડાંક ગામોમાં તો તેમણે ઘડિયાળ રાખીને જોયું. વાંકાનેર ગામમાં છેલ્લાં સાત વર્ષનાં એકત્રીસ ગણોત તપાસતાં તેમને પાંચ કલાક લાગ્યા. વાલોડમાં ચોવીસ ગણોત તપાસતાં બે કલાક, ડિંડોલીમાં અગિયાર ગણોત તપાસતાં બે કલાક, સૂપામાં નવ ગણોત તપાસતાં દોઢ કલાક લાગ્યો હતો. બીજી તરફથી ખેતીના નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય ખોટો પાડી શક્યા ન હતા. એટલે છેવટે ગણોત ઉપર આધાર રાખવાનો સહેલો માર્ગ તેમણે સ્વીકાર્યો. દરેક ગામનાં ગણોતમાંથી જુદાં જુદાં કારણસર વધારે પડતાં અથવા અનાર્થિક કહી શકાય એવાં ગણોત તેમણે છોડી દીધાં. અને ગામમાંથી શુદ્ધ અથવા આર્થિક કહી શકાય એવું એક પણ ગણોત મળી આવે તો તેને એટલા પ્રદેશની ખેતીનો ચોખ્ખો નફો ગણવો એવા નિર્ણય ઉપર તેઓ આવ્યા. વળી અમુક મહેસૂલ તો તાલુકાએ આપવું જ જોઈએ એ નક્કી હતું એટલે તાલુકા ઉપર ૬ ટકાનો કુલ વધારો ઠરાવ્યો. પણ તેની સાથે ન વપરાતા કૂવા ઉપર, ક્યારીના ઉપયોગ માટે ન આવતી જમીન ઉપર, ભાઠાં તથા બાગાયત તરીકે ગણાતી પણ વાસ્તવિક રીતે એવી ન હોય તેવી જમીન ઉપર મહેસૂલ ઓછું કરવાની ભલામણ કરી. એટલે એકંદરે તાલુકાને ભરવાના મહેસૂલમાં થોડો પણ ઘટાડો થયો. રિપોર્ટનો ખંડનાત્મક, ભાગ મહેસૂલ આકારણીની દૃષ્ટિએ અમૂલ્ય ગણાય એવો છે. પણ રચનાત્મક ભાગ તેવો જ નબળો અને પાયા વિનાનો છે, કારણ મહેસૂલ ઠરાવવાનું કોઈ ચોક્કસ ધોરણ તેઓ બતાવી શક્યા નથી. આ તપાસના પરિણામનો સાર નીચે પ્રમાણે આપી શકાય :

આર્થિક પરિણામ : બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯ર રૂપિયાનો મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો હતો તે ઓછો કરી તપાસ અમલદારોએ ૪૮,૬૪૮નો વધારો ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકો ને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો. એટલે ત્રીસ વર્ષને માટે ૪૫ લાખ રૂપિયાનો લાભ થયો.