પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૨૮

૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ


સને ૧૯રપના સપ્ટેમ્બરમાં પટણાની મહાસમિતિની બેઠકમાં કૉંગ્રેસનું આખું તંત્ર ગાંધીજીએ સ્વરાજ પક્ષને સોંપી દીધું અને ત્યાર પછીની કાનપુરની કૉંગ્રેસમાં તે અનુસાર ઠરાવ કરાવ્યો. છેક ૧૯૨૨માં જ્યારથી બારડોલીનો સામુદાયિક સવિનય ભંગ બંધ કરાવી સ્વરાજ્યની વિશેષ તૈયારી માટે રચનાત્મક કાર્યક્રમ, તેમાંયે વિશેષે કરીને ખાદીનો કાર્યક્રમ, ગાંધીજીએ દેશ આગળ મૂક્યો અને કાર્યકર્તાઓને ગામડાંમાં દટાઈ જવાની સૂચના કરી ત્યારથી જ દેખાવા માંડ્યું હતું કે દેશના સુશિક્ષિત વર્ગનો ટેકો તેમને નથી. ૧૯૨૪માં જેલમાંથી બહાર આવ્યા પછી અમદાવાદની મહાસમિતિની બેઠકમાં કૉંગ્રેસને પોતાને માર્ગે દોરવાનો તેમણે પ્રયત્ન કર્યો અને તેમને બહુમતી પણ મળી, છતાં એ બહુમતી મિથ્યા હતી તે તેઓ જોઈ શક્યા. પછી અનેક વાટાઘાટોને પરિણામે ૧૯૨પની કાનપુરની કૉંગ્રેસમાં સ્વરાજ પક્ષને બધું તંત્ર સોંપી દીધા પછી નવા સ્થપાયેલા અ○ ભા○ ચરખા સંઘના કામમાં જ પોતાનો વધુ વખત ગાંધીજી આપવા લાગ્યા. કૉંગ્રેસના બીજા નેતાઓ ધારાસભાની ભાંજગડમાં પડ્યા હતા ત્યારે સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ અને જમનાલાલજી ગાંધીજીને પૂરો સાથ આપી રહ્યા હતા.

પછી તો ધારાસભાવાદીઓમાં પણ ધીમે ધીમે મતભેદો ઊભા થવા માંડ્યા. ૧૯ર૫ ના જૂનમાં દેશબંધુ દાસના દેહાન્ત પછી આખા પક્ષનો ભાર પં○ મોતીલાલજી પર આવી પડ્યો. તેઓ શિસ્તના બહુ આગ્રહી હતા અને દિલ્હીની વડી ધારાસભામાં પોતાના પક્ષ ઉપર તેઓ સારો કાબૂ રાખી

શક્યા હતા. ધારાસભામાંના બીજા બિનસરકારી પક્ષોનો સહકાર સાધી સરકારને કેટલીક મહત્વની બાબતમાં તેઓ શિકસ્ત પણ આપી શક્યા હતા. પરંતુ પ્રાંતમાં સ્થિતિ જુદી હતી. ઘણી જગાએ તો સ્વરાજ પક્ષનું બળ બહુ ઓછું હતું અને કેટલીક જગાએ ગણનાપાત્ર હતું ત્યાં ઘણા સભ્યોને એમ લાગતું કે સરકારને હાજી હા કરનારા લોકો હોદ્દા પર આવી જાય છે તેને બદલે આપણે જ હોદ્દા લઈએ તો દેશનું કંઈક કામ થઈ શકશે. કેટલાકને છેક પ્રધાનપદાની નહીં તો સરકારી કમિટીઓ ઉપર નિમાવાની લાલચ પણ વળગવા માંડી હતી. આમ અંદર જઈને અસહકાર કરવાની મૂળ વૃત્તિ એકંદરે નબળી

૪૫૯