પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
વકીલાત


કહેવા પ્રમાણે એ લોકોએ કબૂલ કર્યું. ફરિયાદીને તો પોતાને જોઈતું હતું તે મળી ગયું એટલે પોતાનાં સગાં ઉપર ફોજદારી કેસ ચલાવવાની તેની ઈચ્છા ન રહી. ફરિયાદી અને તેના પુરાવા બધા પરહદના હતા. તેઓ સરદારની સલાહથી કોર્ટમાં હાજર જ ન થયા. છેવટે ચાર પાંચ મુદત પાડીને કેસ કાઢી નાખવામાં આવ્યો અને કલેક્ટરને ખબર આપવામાં આવી કે છોકરો મરી ગયો છે અને ફરિયાદી હાજર થતો નથી એટલે અરજી કાઢી નાખવામાં આવી છે. કલેક્ટર વહેમાયો અને ગુસ્સે પણ થયો, પણ આ સંજોગોમાં કંઈ કરી ન શક્યો. વિઠ્ઠલભાઈ પણ આ સમાધાન થયા પછી અમલદારની ખટપટમાંથી મુક્ત થયા. સરદારનું હવે બોરસદમાં રહેવાનું કાંઈ મન રહ્યું નહીં અને વિલાયત જવાનો તેમણે વિચાર કર્યો. અમદાવાદના મોટા મોટા વકીલો તો એમને કહેતા કે તમારા જેવી કમાણીવાળી પ્રેક્ટિસ તો અમારી પણ ચાલતી નથી, આવી પ્રેક્ટિસ છોડીને શું કામ વિલાયત જવાનો વિચાર કરો છો ? સરદાર કહેતા કે, એમાં તો દરજ્જાનો (સ્ટેટસનો) સવાલ છે.

૪. બોરસદમાં હૈડિયાવેરાની લડત ચાલતી હતી તે વખતે સરકારનો પ્રજાની સામે એક આરોપ એવો હતો કે ગાંધીજીની ખેડા સત્યાગ્રહની અને અસહકારની લડતોથી લોકોને સત્તાનો ડર રહ્યો નહીં અને બહારવટિયા પાક્યા તેમને લોકોએ ઉત્તેજન આપ્યું. સાધારણ માણસને બહારવટિયા બનાવવામાં કેવી રીતે સરકારી અમલદારો જ કારણરૂપ હોય છે તેનું સભામાં વર્ણન કરતાં સરદારે પોતાની વકીલાતના અનુભવમાંથી એક દાખલો આપેલ :

“સિંગલાવનો પેલો ગુલાબરાજા બહારવટે નીકળ્યો ત્યારે તો ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા પણ નહતા. તે વખતના કલેક્ટર વુડને તે મારવા ફરતો હતો, કારણ એણે ગુલાબરાજાને ખોટા કેસમાં સંડોવી સજા કરાવી હતી. એક વખત કલેક્ટરનો મુકામ સિંગલાવ ગામમાં હતો. ત્યાં તેણે સાંભળ્યું કે ગુલાબરાજા નામનો માણસ ગાયકવાડી હદમાં લૂંટો કરે છે અને અંગ્રેજી રાજ્યની પોલીસની તેને મદદ છે. તેણે એની તપાસ કરવા માંડી. તે વખતે પેલો ગુલાબરાજા કસબી ફેંટો અને ભેટ બાંધીને પાસે જ ઊભો હતો. તેણે કહ્યું : ‘હું ગુલાબરાજો.’ વુડે કહ્યું : ‘તારા હાથ તે છૂટા હોય ? તને તો બેડીઓ પહેરાવવી જોઈએ.’ ગુલાબરાજા કહે : ‘ગુનામાં પકડાઉં તો તારી સત્તા ચાલે તે સજા કરજે. પણ આજે તો હું રાજા છું.’ પછી તેને ગુનામાં સંડોવવા ખાતર કલેક્ટરના કહેવાથી તેના ઉપર કેસ ઊભો કરવામાં આવ્યો. ચોરા ઉપર મામલતદારની શિખવણીથી એક વાણિયાએ ગુલાબરાજાને ગાળો દીધી. તેથી ગુસ્સે થઈ તેણે તેને કપાળમાં એક કાંકરો માર્યો. આ બાબતનો કેસ ચાલ્યો. ગુલાબરાજાએ મને વકીલ કર્યો. કેસમાં કંઈ થઈ શકે એમ