પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૪
સરદાર વલ્લભભાઈ


નવજુવાનોને રાજી રાખવા માટે ક્યાં સુધી જવું તેનો વિચાર કરી મેં સમાધાનીનો ઠરાવ સ્વીકાર્યો. ભાઈ સુભાષ બોઝે કહ્યું કે ડુમિનિયન સ્ટેટસનો ઠરાવ કરીને આ બુઢ્ઢાઓ આપણો ઝંડો નીચે પાડવા ભેગા થયા છે. જો તમને એમ લાગતું હોય તો તમે પ્રમુખને દૂર શા સારુ નથી કરતા ? બીજા પ્રમુખ શોધો, જે તમારો ઝંડો ઊંચો રાખે. હું તમારો ઝંડો નીચે પાડતો હોઉં તો મારી ઉપર થૂંકો. બુઢ્ઢો થયો છું, મારા દાંત પડી ગયા છે. પણ ૧૯૨૦માં સોનાનો હતો તે હવે પિત્તળનો થઈ ગયો છું એમ તમે માનતા હો તો મને લાત મારીને કાઢી મૂકો. પણ આ તો આબરૂનો સવાલ છે. અંગ્રેજીમાં જેને ‘ઑનર’ કહે છે તેનો સવાલ છે. તમે પૂર્ણ સ્વાતંત્ર્યની વાત કરો છો અને ઘડી પહેલાં આપેલું વચન તોડો છો એ કેમ સાંખી શકાય ?”

પછી બંગાળી નવજવાનોને ચેતવણી આપતાં અંગ્રેજીમાં કહ્યું :

“તમે સમજતા હશો કે આ વાણિયો તમારી લાગણીઓ સમજી શકતો નથી, તો એ ભૂલ છે. તમે સમાધાન કર્યું તે ખોટું કર્યું એમ લાગતું હોય, તેમાં કાંઈ પાપ થઈ ગયું એમ લાગતું હોય તો તમારે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એ પ્રાયશ્ચિત્ત ઠરાવમાં સુધારો મૂકવાથી ન થાય. તમારાથી માત્ર વિચારની ભૂલ થઈ હોય એમ તમને લાગે તો તમને એ શોભે કે એ ભૂલને વળગી રહો, પણ તમારી આબરૂને ન ડુબાવો. મને તમે હરાવો એ મને બહુ ગમે છે, પણ તમારી આબરૂ, તમારી વિવેકબુદ્ધિ હણાય તેથી મારા હૃદયમાં ખંજર ભોંકાય છે. તમને ગુલામી અસહ્ય થઈ પડી છે, તેમ મને પણ અસહ્ય છે. પણ કલુષિત વાતાવરણ, કુસંપ, વિવેકની શૂન્યતા, કાર્યદક્ષતાની શૂન્યતા એ મને વધારે અસહ્ય છે, તમને પણ વધારે અસહ્ય હોવાં જોઈએ. જો તમે શુદ્ધિ કરો, નિયમપાલન શીખો, આખો રચનાત્મક કાર્યક્રમ પાર પાડો તો સ્વરાજ્ય તે હસ્તામલકવત્ છે.”

ઠરાવો ઉપર મતની ગણતરી કરતાં મધરાત થઈ ગઈ. ૧૩૦૦ વિ○ ૯૦૦ મતે ગાંધીજીનો ઠરાવ પસાર થયો. મતગણતરી બરાબર થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કૉંગ્રેસના સેક્રેટરી તરીકે જવાહરલાલજીની હતી. ગાંધીજીના પક્ષ તરફથી બહુમતી મેળવવા કશો પ્રયત્ન જ થયો ન હતો. પણ સ્વાતંત્ર્યવાદીઓએ તો પોતાના પક્ષમાં મતો ખેંચી જવા ભારે ધાંધલ કર્યું. ઘડીભર તો કૉંગ્રેસનું વાતાવરણ દૂષિત થયું. કેટલાક જુવાનિયાને જ્યારે મતોની ગોલમાલ કરતા જોયા ત્યારે જવાહરલાલજી જોકે એ પક્ષના હતા છતાં તેની સામે એમનો પુણ્યપ્રકોપ સળગી ઊઠ્યો અને ગેરરીતો અટકાવવા તેમણે તનતોડ પ્રયત્નો કર્યા. રાજાજી, સરદાર વગેરે સાથીઓ ગાંધીજીનો એ ઠરાવ રજૂ કરવા પહેલેથી ના જ પાડતા હતા. તેમનું કહેવું એ હતું કે ઠરાવને બહુમતી મળશે તો પણ એક મોટા પક્ષને એ પસંદ ન હોઈ, કશું કામ નહીં થઈ શકે. પણ ગાંધીજીને તો એક અગ્રગણ્ય પક્ષ ફરી જાય એ વસ્તુ જ અસહ્ય હતી