પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૭
૧૯૨૯નું તૈયારીનું વર્ષ

સામા મારીને પણ આત્મરક્ષણ કરો. દારૂવાળા કે બીજા ઉજળિયાત ખાતેદારની સામે ન જ થવાય; તે મારે, ગાળ દે અથવા વહુ દીકરીની લાજ લે તોપણ જોયાં કરવું; એ જાતની બીક જે કોમમાં અનેક વર્ષો થયાં ઘર કરી બેઠેલી હતી તે કોમને આવી સલાહ આપવાનું સરદારને વ્યવહારુ લાગ્યું. એ કામમાં જ્યારે પોતાના બળનું ભાન થશે ત્યારે તેમને અહિંસાનું શિક્ષણ આપવાનો વખત આવશે ત્યાં સુધી તેમને બહાદુર બળવાન, શરીર અને લાજઆબરૂની ઉપર હુમલો થયો તેનો સીધો પ્રતિકાર કરવાનો ઉપદેશ આપવો એ જ સરદારને યોગ્ય લાગ્યું.

એપ્રિલ માસમાં ઉનાઈ ગામ જ્યાં ઊકળતા પાણીના કુંડ છે અને જે યાત્રાનું સ્થળ ગણાય છે ત્યાં એક મોટી રાનીપરજ પરિષદ થઈ. તેમાં ભાષણ આપતાં દેશી રાજની આબકારી નીતિ વિષે સરદારે કહ્યું :

“અહીં વડોદરા અને વાંસદા રાજ્યની હદ ભેગી થાય છે. વડોદરાના રાજ્યમહેલથી માંડીને તે ગરીબની ઝૂંપડી સુધી દારૂએ સત્યાનાશ વાળ્યું છે. ગરીબ લોકોને વ્યસની બનાવી તેમના વ્યસનીપણા દ્વારા રાજ્યની ઊપજ વધારવાની નીતિ જે રાજ્યની હોય તે રાજ્યમાં અને તેના રાજ કુટુંબમાં સુખ અને શાન્તિ શી રીતે હોઈ શકે ? વાંસદાના રાજા બહુ ભલા છે એમ સાંભળું છું. પણ દારૂની ઊપજ ઓછી થાય ત્યારે એમની શ્રદ્ધા ઢીલી થઈ જાય છે. મહુડાં એમનો ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર છે એવી એમને શંકા થવા લાગે છે. જે રાજ્યને ઈશ્વર ઉપર વિશ્વાસ નથી, રૈયત દારૂતાડી છોડી દેશે તો મહેસૂલનું શું થશે એવી ફિકર જે રાજ્યને થાય છે એ રાજ્યની મને દયા આવે છે.”

પછી રાજ્યોને ચેતવણી આપી :

“આ રાજ્યો આપણી દારૂનિષેધ પ્રવૃત્તિથી ડરે છે. એ કેમ ડરે છે તે હું સમજતો નથી. એ રાજ્યની સાથે લડાઈ કરવી એ હું મારે માટે નાનમ માનું છું. વાંસદાના અંગૂઠા જેવડા રાજ્યને તો એક અમારું ધારાળું બહારવટું કરીન વશ કરે. તેની સાથે લડવામાં હું મારી શક્તિ શેનો ખર્ચું ? મારું કામ તો બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડવાનું છે. મેં મારું ક્ષેત્ર નક્કી કરી રાખેલું છે. પણ રાજ્યો યાદ રાખે કે તેમના અમલદારો પ્રજાને ત્રાસ આપશે તો તે હું એક ઘડીભર પણ સાંખી લેવાનો નથી.”

પારસી કોમનો અહીં બહિષ્કાર થાય છે એવા ખોટા ગપગોળાથી મુંબઈના પારસીઓ અકળાઈ ઊઠ્યા હતા. સભામાં ઘણાં પારસી ભાઈબહેનો હાજર હતાં, તેમને ઉદ્દેશીને સરદારે કહ્યું :

“હું મુંબઈના પારસીઓને ખાતરી આપું છું કે અહીંનાં જંગલમાં વસતો એક પણ પારસી સીધી રીતે ચાલતો હશે તો તેના ઉપર બહિષ્કાર