પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૮
સરદાર વલ્લભભાઈ

કે બીજા કોઈ પણ પ્રકારનો ત્રાસ થતો અટકાવવાની જોખમદારી લેવાને હું તૈયાર છું. મુંબઈનાં છાપાંમાં જે ફરિયાદ આવે છે તેમાં કશું વજૂદ નથી. મારે દુ:ખ સાથે જણાવવું જોઈએ કે જે લોકો ફરિયાદ કરે છે તેઓ પારસી નથી, પણ પારસી કોમને નામોશી લગાડનારા છે. તેમનાં કૃત્યોની કેટલીક વસ્તુઓ મારી જાણમાં છે તે હું જાહેર કરવા માગતો નથી. જ્યાં સુધી આ પ્રવૃત્તિમાં પારસી કોમનાં રત્ન જેવાં મીઠુબહેન અને બીજા પારસી ભાઈઓ જોડાયેલા છે ત્યાં સુધી આવાં ખોટાં બુમરાણોથી હું ડરતો નથી. . . પીઠાંવાળા પારસીઓની સતામણી તો કોરે રહી, પણ પીઠાંવાળાઓ દારૂનિષેધની પ્રવૃત્તિ કરનારને અનેક રીતે સતાવે છે એ હું જાણું છું. મારે જાહેર કરવું જોઈએ કે બારડોલી સત્યાગ્રહ પછી આજ સુધીમાં કોઈ પણ પારસીનો બહિષ્કાર થયો જ નથી. કોઈ ને ત્યાં માણસો મજૂરીએ જવાની આનાકાની કરતા હશે, પણ એવા ખાતેદારો પોતાના મજૂરો પ્રત્યે લાયક વર્તન નહીં રાખતા હોય. પાક પરવરદિગાર પારસી કોમને સદ્‌બુદ્ધિ આપે અને તેમને આ ધંધામાંથી છોડવે એવી હું પ્રાર્થના કરું છું.”

બારડોલી સત્યાગ્રહના વિજય પછી જમીન મહેસૂલની તપાસ કમિટીનું કામ ચાલતું હતું તે વખતે તા. ૩૧મી જાન્યુઆરીએ ગુજરાતમાં સખ્ત હિમ પડ્યું હતું. કેટલીક જગાએ મોટાં ઝાડ પણ એ હિમથી બળી ગયેલાં તેથી એને ખેડૂતોએ લકડિયું હિમ કહેલું. ખેડૂતોને આશ્વાસન આપવા અને સરકારને જમીનમહેસૂલ મુલતવી રાખવાનો આગ્રહ કરવા સરદારે ‘નવજીવન’માં ‘ગેબી માર’ એ નામનો લે$ખ લખ્યો :

“ગયે વર્ષે ગુજરાતે કદી નહીં જોયેલો એવો જળપ્રલય જોયો, આ વર્ષે કદી નહીં જોયેલી એવી ઠંડી જોઈ. આખા ગુજરાતમાં ચોમેરથી ખેડૂતો બૂમ પાડે છે. સોના જેવો લાખો રૂપિયાનો કપાસ અને તમાકુનો પાક સદંતર બળીને ખાખ થઈ ગયો. શાકભાજી અને ફળઝાડ પણ બળી ગયાં. બાવળ જેવા કઠણ ઝાડ પણ બળી ગયાં ત્યાં ખેતીવાડીનું પૂછવું જ શું? કોઈ કોઈ જગ્યાએથી માણસો અને ઢોર ઠરીને શબવત્ થઈ ગયાના ખબર આવ્યા છે.
“ખેડૂતો આ વખતના ગેબી મારથી મૂઢ બની ગયા છે. રેલસંકટના કરતાં આ વખતનું દુઃખ તેમને કારમું લાગ્યું છે. કારણ કે પૂરેપૂરી મહેનત અને ખર્ચ કર્યા પછી છેક તૈયાર થયેલો પાક એક જ રાતમાં નાશ થઈ ગયો અને મોંમાં આવેલો કોળિયો દૈવે ઝડપી લીધો !
“આ વખતે મહેસૂલ લેવાનો વિચાર કરવો એ ખેડૂતના લોહીનું છેલ્લું ટીપું ચૂસવા સમાન થઈ પડવાનું છે. મારી ઉમેદ છે કે સરકાર આ વખતે ગુજરાતના ખેડૂતોની સાથે ઉદારતાથી કામ લેશે.
“ગુજરાતના ખેડૂતોને મારી સલાહ છે કે ગમે તેવી આફતમાં પણ હિંમત હારવી નહી, ઈશ્વરને આપણી વધુ કસોટી કરવી હશે એમ માની સાવધ થઈ કોઈ પણ પ્રકારે આવતી મોસમ ભેગા થઈ જવાનો પ્રયત્ન કરવો.”