પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૯
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


આ ચેતવણી છતાં અમલદારોએ તો એમની રીત પ્રમાણે, મહેસૂલ વસૂલ કરી શકાય એવા આનાવારીના આંકડા તૈયાર કરવા માંડ્યા. હિમના માર ઉપરાંત અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં તીડ પડ્યાં હતાં અને તેથી પણ નુકસાન થયું હતું. ખેડાના કલેક્ટર સાથે સરદારે પત્રવ્યવહાર કર્યો તેમાં કલેક્ટરે કબૂલ કર્યું કે, ‘લોકોને બહુ નુકસાન થયું છે અને પૂરતી રાહત આપવા હું મારાથી બનતું બધું કરીશ. મામલતદાર તરફથી આનાવારીઓની હું રાહ જોઉં છું.’ અમદાવાદ જિલ્લામાં દક્ષિણ દસક્રોઈ અને ધોળકા તાલુકામાં પરિસ્થિતિ વધુ વિકટ હતી. છેવટે સરકારની રાહત બહાર પડી. પણ તે પૂરતી નહોતી. મિ. મૅક્સવેલ જે બારડોલીની તપાસ સમિતિમાં હતા તેઓ તે વખતે મુંબઈ સરકારના રેવન્યુ મેમ્બર હતા. તેમને સરદારે લખ્યું અને ખાસ કરીને માતર તથા મહેમદાવાદ તાલુકામાં પૂરતી રાહત આપી ખેડૂતોને ઊભા રાખવાની તેમની મારફત ગવર્નરને વિનંતી કરી. પૂરેપૂરી મહેસૂલમુલતવી માટેનો ચોક્ખો કેસ હતો પણ મોટી લડત નજીકમાં જ આવતી હતી તે વખતે આવી નાની લડતમાં પડવાથી લોકોનું સ્થાન મુખ્ય વાત ઉપરથી ખસી જાય એમ સરદારને લાગતું હતું. એટલે પત્રવ્યવહાર દ્વારા સરકાર પર દબાણ કરીને સરકાર પાસેથી બની તેટલી વધુ રાહત ખેડૂતોને અપાવરાવી.

માર્ચની આખર તારીખોમાં પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ મોરબીમાં ભરાઈ. સરદારની પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ. પરિષદના સંબંધમાં સાધારણ રીતે એવી પરિપાટી નક્કી થઈ હતી કે પરિષદ જે રાજ્યમાં ભરાય તે રાજ્યની લેખી નહીં તો ગર્ભિત પરવાનગીથી પરિષદ ભરાય. એમ છતાં એ જ પરિષદને ટાણે અને એ જ પરિષદને સ્થાને યુવકોએ રાજ્યની પરવાનગી વિના યુવક પરિષદ ભરવાનું નક્કી કર્યું હતું. પરિષદના સંચાલકોનો ખૂબ જ આગ્રહ હતો કે ગાંધીજીએ તે પરિષદમાં હાજરી આપવી જ. તેઓની ગેરહાજરીમાં પરિષદ ભરવાની તેમની હિંમત નહોતી ચાલતી. એનું કારણ કદાચ યુવકોની આ ધમાલ પણ હોય. ગાંધીજીએ મોરબીમાં યુવકોના આગેવાનો સાથે ખૂબ વાત કરી. કોઈ પણ રાજ્યની પરવાનગી લેવાની જરૂર ન હોવી જોઈએ, ગાંધીજીને કે સરદારને પૂછવાની પણ આવશ્યકતા ન હોવી જોઈએ, રાજ્યની અંગત ટીકા ન કરવા વિષે લેખી ખુલાસો આપવાની પણ જરૂર ન હોવી જોઈએ, એ દલીલ યુવકના આગેવાની હતી. ગાંધીજીએ તેમને સમજાવતાં જણાવ્યું કે, ‘યુવકો ખીલે, બળ કરવાની શક્તિ મેળવે એ મને પ્રિય લાગે છે. તેમનાં ઉપર જણાવેલાં બધાં વિધાન મને માન્ય છે. પણ ભૂમિતિનું એક પદ છોડી દેવાય તો આખો સિદ્ધાન્ત જેમ તૂટી પડે, તેમ આ વિધાન કરનાર એક મુખ્ય પદ વીસરી જાય છે એટલે આ બધાં વિધાન અસ્થાને ઠરે છે. એ