પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૦
સરદાર વલ્લભભાઈ

મુખ્ય પદ એ છે કે યુવકો પોતાની પરિષદ કાઠિયાવાડ રાજકીય પરિષદના દિવસોમાં અને એને મુકામે ભરવા ઈચ્છે છે. તમારી પરિષદ તમે જૂનાગઢમાં ભરો કે ગોંડલમાં ભરો તો મારે કે સરદારે વચમાં પડવાપણું ન હોય. અહીં પણ તમે મહિના માસ પછી તમારી પરિષદ ભરી શકો છો. પણ આજે રાજકીય પરિષદ અહીં ભરાય છે તેનો લાભ લેવા ઈચ્છો છો અને છતાં તેની મર્યાદાઓ સ્વીકારવા તૈયાર નથી એ અનુચિત છે. બ્રિટિશ રાજ્યમાં અને અહીં સ્થિતિ જુદી છે. આ રાજાઓ પોતે પરાધીન છે, ડરકણા છે. તેમની મર્યાદાઓ આપણે સમજવી જોઈએ. જો પરિષદ ભરવાનો મોહ રાખવો જ હોય તો તેમની પરવાનગી લેવાની શરત પણ કબૂલ રાખવી જોઈએ. આ રાજાઓ ગમે તેવા હશે પણ તે દેશી રાજાઓ છે, આપણામાંના જ છે. તેમને કોઈ કાળે સુધારી શકીશું એ વિશ્વાસ રહ્યા જ કરે છે.’ આમ વાત દોઢેક કલાક ચાલી. પરિણામે એમ ઠર્યું કે ગાંધીજીની ઈચ્છા પડે તેવી રીતે અને તેવા રૂપમાં તેમણે મહારાજા સાહેબ સાથે યુવક પરિષદની વાત કરી લેવી અને તે કાઠિયાવાડ રાજકીય પરિષદના અંગ તરીકે ભરવી. પણ કોઈક કારણથી આ વાત ફરી ગઈ અને યુવકો રાત્રે સ્ટેશને કૂચ કરી મોરબી છોડી ગયા. સરદારનું ઉપસંહારનું ભાષણ વિશેષે આ સંજોગોને ઉપલક્ષીને થયું.

સરદારે પરિષદના પ્રમુખ તરીકે જે લેખી ભાષણ કર્યું તે સુંદર તો હતું જ પણ પરિષદને અંતે ઉપસંહારમાં જે ભાષણ કર્યું તે એને ટપી જાય એવું હતું. પરિષદને પ્રજાનો પૂરેપૂરો સાથ હોવો જોઈએ એ વસ્તુ ઉપર તેમાં એમણે બહુ ભાર મૂકીને જણાવ્યું કે, પરિષદની પાછળ પ્રજા ન હોય તો બોલેલું બધું વ્યર્થ જાય. આપણે જે બોલીએ એમાં બળ હોવું જોઈએ. રાજાઓની ખાલી નિંદા કરીએ તેથી કાંઈ વળે નહીં. કેવળ નિંદાથી હાર્યો હોય એવા રાજાનો એક દાખલો જગતમાં નથી. એથી તો રાજા નફટ થાય છે. રાજાની ઉપર અસર કરવી હોય તો એના સહવાસમાં આવવું જોઈએ, રાજ્યની સેવા કરવી જોઈએ. પણ આજે તો રાજાથી આપણે ભાગીએ છીએ. રાજાની પાસે બધી વસ્તુની આશા રાખી આપણે પોતે કશું કરતા નથી. તેથી નથી આપણે રાજાની કે નથી પ્રજાની સેવા કરવાના. આમ કહીને પોતાના ભાષણમાં કેટલાંક વચનો તેમણે એવાં કહ્યાં, જેમાં પોતાની સ્થિતિનું, પોતાની શક્તિનું અને પોતાની મર્યાદાઓનું સુંદર ચિત્ર તેમણે આપ્યું. એ ફકરા અહીં ઉતાર્યા છે :

“તમે મારી પાસે મોટી આશા રાખી છે. કારણ થોડા જ વખત ઉપર બારડોલીમાં કાંઈક વિશ્વાસ ઉપજાવે એવું કામ થયું છે. પણ મારા દિલની વાત કહું ? તમારા કાઠિયાવાડમાં તો દીવા તળે અંધારું છે. હું જો કાંઈ શીખ્યો છું, મારામાં જો કાંઈ શક્તિ છે એમ તમે માનતા હો તો જે