પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સરદાર વલ્લભભાઈ


નહોતું. પણ કલેક્ટરે જજને મળી એને નવ મહિનાની સજા કરાવી. પેલાને આ વાતની ગંધ આવેલી એટલે ફેંસલાને દિવસે કોર્ટમાં એ હાજર જ ન થયો અને તે દહાડાથી બહારવટું શરૂ કર્યું. આમ નાની વાતમાંથી કલેક્ટરે એક બેગુના માણસને બહારવટિયો બનાવ્યો. પછી તો એણે બાવન લૂંટો કરી અને પચીસ ત્રીસ ખૂનો કર્યો. તેને સતાવવામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ ખરો. કલેક્ટરને બાતમી જાય કે ગુલાબરાજા રોજ રાત્રે વલ્લભભાઈ વકીલને ઘેર આવે છે. એટલે એણે મને બોલાવ્યો અને મોટી મોટી જગ્યાઓ આપવાની અનેક લાલચ આપી પેલાને પકડાવી આપવા કહ્યું. મેં કહ્યું : ‘કાયદો હું થોડાઘણો જાણું છું. મારે ઘેર એ આવતો હોય તો મારે પોતે જ એ જાહેર કરવું જોઈએ. ન કરું તે ગુનો ગણાય એ હું જાણું છું. બાકી તમારી નોકરીની લાલચે એને પકડાવવાના કામમાં હું પડું એ તો કાળું કામ કહેવાય અને આમે હું તો સરકારી નોકરીને લાત મારું છું” કલેક્ટર સડક થઈ ગયો ને સાંભળી રહ્યો. ગુલાબરાજા પોતાને મારવાની પેરવી કરતો હતો એની કલેક્ટરને ખબર પડતાં છેવટે એ લાંબી રજા લઈ વિલાયત ચાલી ગયો.”

૫. નીચે આપેલો પ્રસંગ વકીલાતનો નથી પણ સરદારના સ્વતંત્ર મિજાજ અને હાજરજવાબીનો નમૂનો છે. જાનકીદાસજી કરીને એક મહારાજ ૧૯૦૬ માં બોરસદ આવેલા અને ગામ બહાર એક ગૃહસ્થના બંગલામાં ઊતરેલા. તે કથા બહુ સારી કરતા અને ગામમાંથી ઘણા તે સાંભળવા જતા. મળવા આવનાર સૌને તે બીડી છોડવાનો અને ચોટલી રાખવાનો ઉપદેશ કરતા. સરદાર તો શેના આવા મહારાજને મળવા જાય ? પણ એક દિવસ બધા મિત્રો જતા હતા તેમના આગ્રહથી એમની સાથે ગયા. તે દિવસે પણ એમણે બીડી છોડવાનો ઘણાને ઉપદેશ કર્યો. સરદાર તો દૂર બેઠા બેઠા બધું જોયા કરતા હતા. એક જણે સરદારને બતાવીને મહારાજને પૂછ્યું : “આમને કેમ કશું કહેતા નથી ? એ પણ બીડી પીએ છે.” મહારાજે કહ્યું : “મેં એમને વિષે બહુ સાંભળ્યું છે. એમને કહેવા જેવું નથી, 'ગાંગડુ કણ ન રંધાય, કરોડો મણ બાળો કાઠી.’ ” સરદાર અત્યાર સુધી કશું બોલ્યા ન હતા પણ આ સાંભળીને તરત મહારાજને સંભળાવ્યું : “મારી પાસે બીડી છોડાવવી હોય તો તમારાં આ ભગવાં ઉતારીને મને કહેવા આવો, નહીં તો તમારા ભગવાવાળા જ ગાંજો તંબાકુ વધારે વાપરે છે એમને પહેલાં કહેવા જાઓ.”

૬. ૧૯૦૮માં બોરસદમાં એક મુનસફ આવેલા. તેમણે કોર્ટરૂમનું એક તરફનું બારણું બંધ કરાવ્યું. વકીલોને પોતાની ઓરડીએ જવા માટે ફરીને જવાનું થયું અને અગવડ પડવા માંડી. પણ કોઈની મુનસફને કહેવાની હિંમત ન ચાલે. સરદારને દીવાની કોર્ટમાં ભાગ્યે જ જવાનું થતું. પણ આ વાતની