પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૬
સરદાર વલ્લભભાઈ


અધીરાઈ મને ગમે છે. પણ એ અધીરાઈ તેઓ કામમાં દેખાડતા હોય તો કેવું સારું ! જેને ‘રેવોલ્યૂશન’ કરવું છે તે માણસો પ્લેટફોર્મ ઉપર ચડીને બરાડા પાડતા હશે ? માટે વાદવિવાદ છોડો અને અમારી સાથે કામમાં ભળો.”

બારડોલીની લડતમાં સફળતા મળ્યા પછી બીજા તાલુકાઓમાં પણ જમીનમહેસૂલના વધારાનો વિરોધ કરવાની જાગૃતિ લોકોમાં આવી. મુંબઈ ઈલાકાના ઘણા તાલુકાઓમાં આ અરસામાં જ મહેસૂલની નવી આંકણી થઈ હતી અને વધારા સુચવાયા હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. તેની સામે ચળવળ ચલાવવા આખા ઇલાકાની એક લૅન્ડ લીગ સ્થાપવામાં આવી. ખેડૂતોના આર્થિક પ્રશ્નને લગતું જ કામ કરનારી આ સંસ્થા હોઈ તેમાં સઘળા પક્ષના માણસો સભ્ય થયા હતા. સરદાર તેના પ્રમુખ હતા, નરસોપંત કેળકર સેક્રેટરીઓમાંના એક હતા અને સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના ઘણા મેમ્બરો પણ તેના સભ્યોમાં હતા. તેની એક મીટિંગ પૂનામાં થઈ તેમાં ઠરાવવામાં આવ્યું કે જમીનમહેસૂલનો આંકડો ઠરાવવાનું કેવળ મહેસૂલ ખાતાના અધિકારીઓના હાથમાં છે અને તેઓ મહેસૂલમાં વધારો કેમ કરવો એ દૃષ્ટિએ જ વિચાર કરતા હોય છે એ બરાબર નથી. જમીનમહેસૂલની આખી નીતિનો નવેસરથી વિચાર થવો જોઈએ. માટે લૅન્ડ લીગ તરફથી એક પ્રતિનિધિમંડળે ગવર્નરને મળી જે જે તાલુકાઓમાં મહેસૂલની નવી આંકણી થઈ છે અને વધારા સૂચવાયા છે તે બધા સ્થગિત કરવા વિનંતી કરવી જોઈએ અને કેટલાક તાલુકાઓ જે મૂળે ગરીબ છે અથવા આકરી જમીનમહેસૂલની નીતિને પરિણામે જે ગરીબ બની ગયા છે તે તાલુકાનું મહેસૂલ ઘટાડવું જોઈએ. ગુજરાતમાં માતર તાલુકાનો કેસ એવો હતો કે બીજાં કારણો સાથે સરકારની ભારે બોજારૂપ મહેસૂલનીતિને લીધે એ તાલુકો પાયમાલ થઈ ગયો હતો. એ વિષે સરદારે સરકાર સાથે લાંબો પત્રવ્યવહાર ચલાવ્યો. આ જ વખતે ગૂજરાત વિદ્યાપીઠ તરફથી માતર તાલુકાની આર્થિક તપાસ કરવામાં આવી. તેમાં એની બેહદ કંગાલિયત આંકડા સાથે પુરવાર થઈ. એટલામાં ’૩૦ની નિમક સત્યાગ્રહની લડત આવી પડી અને સરદાર તથા બીજા કાર્યકર્તાઓ જેલમાં પુરાઈ ગયા. ત્યાં સરદારના પત્રવ્યવહારનું પરિણામ તો આવ્યું જ. જમીનમહેસૂલ બાબત તપાસ કરવા સરકારે એક ખાસ અમલદાર નીમ્યો અને માતર તાલુકાના જમીનમહેસૂલમાં ૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો.

અત્યાર સુધી સરદારની મહત્ત્વાકાંક્ષા એટલી જ જણાય છે કે ગુજરાત બરાબર સંભાળીને બેસવું અને ગાંધીજીની ઈચ્છા પ્રમાણે તેને સામુદાયિક સવિનય ભંગની લડતને માટે પરિપૂર્ણ તૈયાર કરવું. પણ બારડોલીમાં જે યશ તેમણે સંપાદન કર્યો તેણે તેમને ગુજરાતની બહાર ખેંચવા માંડ્યા. મહારાષ્ટ્ર રાજકીય