પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૭
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


પરિષદના પ્રમુખપદને તો તેમણે પૂરેપૂરું શોભાવ્યું અને મહારાષ્ટ્રના કૉંગ્રેસ આગેવાનોની શંકાકુશંકાઓ દૂર કરવામાં સારો હિસ્સો આપ્યો. હવે રાજાજી એમને આગ્રહ કરવા લાગ્યા કે તામિલનાડમાં આવી અમારા ખેડૂતોને બારડોલીનો ચેપ લગાડો. તે માટે વેદારણ્ય નામના છેક દક્ષિણના પ્રાચીન સ્થળે તામિલનાડ રાજકીય પરિષદ ઑગસ્ટની આખરમાં થવાની હતી તેને નિમિત્ત બનાવ્યું અને તેનું પ્રમુખપદ સ્વીકારવા સરદારને વિનંતી કરી. પ્રમુખપદ માટે આગ્રહ કરવામાં કૉંગ્રેસ પાસે સંપૂણ સ્વાતંત્ર્યનું ધ્યેય રખાવવાના અતિ આગ્રહવાળા શ્રી શ્રીનિવાસ આયંગર પણ હતા. સરદારને જ્યારે ખબર પડી કે તેમણે જ મદ્રાસ પ્રાંતિક સમિતિ પાસે ચાર મહિના પછી ભરાનારી લાહોર કૉંગ્રેસને સ્વરાજને બદલે સ્વાતંત્ર્યનું ધ્યેય રાખવાનો આગ્રહ કર્યો છે અને તામિલ પ્રાંતિક પરિષદ પણ તેમને કૉંગ્રેસનું ધ્યેય બદલાવવા માટે જ ભરવી હતી ત્યારે તેમણે જવાબ આપ્યો કે તામિલ પ્રાંતમાં આવીને મારે વિખવાદ વધારવો નથી. હું ત્યાં આવું તો તટસ્થ અથવા નિષ્ક્રિય પ્રમુખ રહી શકું નહીં. એટલે હું ન આવું એ જ યોગ્ય છે. એટલે રાજાજીએ ગાંધીજીને લખ્યું કે આખો પ્રાંત સરદારની રાહ જુએ છે અને સરદારે આવવું જ જોઈએ. ગાંધીજીએ જવાની સલાહ આપી એટલે સરદારને ફરજ પડી.

રાજાજીએ સરદારને વહેલા બોલાવી એક દિવસ એમના આશ્રમમાં રાખ્યા. આશ્રમમાં એમનું ખાદીકામ, દારૂનિષેધનું કામ, અસ્પૃશ્યતાનિવારણનું કામ એ બધું જોઈ રાજાજીની મુશ્કેલીઓનો અને તેનો ઉકેલ આણવાની એમની અદ્‌ભુત કતૃત્વશક્તિનો ખ્યાલ આવ્યો. સાંજે એક મોટા ટોળાએ આશ્રમમાં આવીને રાજાજીની સાથે વઢવાડ કરવા માંડી. વાતો તામિલમાં ચાલતી હતી એટલે કશું સમજાતું ન હતું અને રાજાજી તેમની સાથે ખૂબ હસીને ઠઠ્ઠામશ્કરી કરીને વાતો કરતા હતા એટલે તેમના દિલનું દર્દ જોઈ શકાતું નહોતું. પણ એ લોકો વીખરાયા પછી રાજાજીએ બધી વાત કરીઃ ‘એમની સાથે મજાક કરીને મેં એમને વિદાય તો કર્યા, પણ કેવી આફત આવી રહી છે તે હું જાણું છું. અંત્યજોને ભોળવીને, નાતજાતને એકાકાર કરીને, અમે ધર્મનું સત્યાનાશ વાળી રહ્યા છીએ અને તેથી ચારપાંચ વર્ષ થયાં વરસાદ આવતો નથી, માટે અમારો બહિષ્કાર કરવો જોઈએ એ આસપાસનાં ગામડાંઓએ નિશ્ચય કર્યો છે. એ લોકો બહિષ્કાર કરશે તો ગેરલાભ એમને જ છે, પણ એ શી રીતે સમજે ?’ રાજાજીની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી તો એ રીતે હતી કે ત્યાંનો બ્રાહ્મણેતર પક્ષ એમને એ રીતે ગાળો દેતો હતો કે ‘એ તો સુધારાના શત્રુ છે અને ન્યાતજાતનાં બંધનો કાયમ રાખવા માંગે છે !’