પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૮
સરદાર વલ્લભભાઈ

 સરદારને તામિલ પ્રાંતમાં લાવવાનો લોકોનો ઉત્સાહ કેવો હતો તે ત્યાંનાં શહેર કરતાં ગામડાંમાં વધારે દેખાયું. રાજાજીના આશ્રમથી વેદારણ્ય જતાં રસ્તામાં બે ત્રણ તાલુકા આવતા હતા. દરેક તાલુકાગામે તાલુકા બોર્ડે અને મ્યુનિસિપાલિટીએ સરદારને માનપત્રો આપ્યાં અને તેમાં ગાંધીજીના અગ્રગણ્ય શિષ્ય તરીકે અને બારડોલી સત્યાગ્રહના મહાન વિજેતા તરીકે તેમનો ઉલ્લેખ કર્યો.

વેદારણ્ય પહોંચ્યા પછી સરદારે શ્રી શ્રીનિવાસ આયંગરને વીનવ્યા કે પરિષદમાં નાહક વિરોધ શા માટે કરાવો છો ? ચાર મહિના રાહ જુઓ અને લાહોરમાં જે થાય તે થવા દો. પણ શ્રી આયંગરે તો લાહોરને માટે ભૂમિકા તૈયાર કરવા માટે જ આ પરિષદ ભરાવી હતી. એટલે તેઓ પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ પરિષદમાં લાવ્યા અને પરિષદને આખરી નોટિસ આપી દીધી કે: ‘મને મત નહીં આપો તો જાહેરજીવનમાંથી ફારેગ થવાની મને ફરજ પાડશો. આપણા નેતાઓનાં તો ભવન ફરી ગયાં છે. તેમને શીખવવા માટે શાળા કાઢવાની જરૂર છે, વગેરે.’ મત લેતાં પહેલાં સરદારે ભાષણ કર્યું તેમાં કહ્યું :

“આ ઠરાવના ઉપર જે રસાકસીથી ચર્ચા થઈ છે તે ઉપરથી તમે સમજશો કે હું અહીં આવવાની કેમ ના પાડતો હતો. મને આ ઠરાવમાં જરાયે રસ નથી. કલકત્તામાં શ્રી શ્રીનિવાસ આયંગરે અને શ્રી સુભાષ બોઝે મળીને સમાધાનીનો ઠરાવ કરાવ્યો છે. એ મુજબ તો બધા વાદવિવાદને તાળાં મારી એક વર્ષ સુધી કામ કરી જરૂર પડે તો દેશને મોટી લડત માટે તૈયાર કરવાની આપણે પ્રતિજ્ઞા લીધી છે. એ તૈયારીની વાત તો દૂર રહી અને આજે ચાર મહિના અગાઉથી કૉંગ્રેસને ધ્યેય બદલવાની ભલામણ કરવા તમે અધીરા થઈ ગયા છો, એ શું ? ધ્યેય ન બદલવાને વાંકે તમે કશું કામ ન કરી શકતા હો તો જરૂર ધ્યેય બદલો. પણ તમારી પ્રાંતિક સમિતિએ તો ધારાસભાની ચૂંટણી બાબતમાં ઠરાવ કરવાની તમારા પ્રાંતને સ્વતંત્રતા મળે એવી માગણી કરી છે. તો શું તમારે આ સરકારની ધારાસભામાં પણ જવું છે અને પૂર્ણ સ્વતંત્રતા પણ લેવી છે ? આ સ્પષ્ટ વિરોધ તમે કેમ જોઈ કે સમજી શકતા નથી ? મને તમારા કામનો દ્વેષ નથી, તમારા પ્રાંતની કીર્તિ બગાડવા નહીં પણ મારાથી બની શકે તો વધારવા હું અહીં આવ્યો છું. આપણે માની લઈએ કે ખાદીથી સ્વરાજ ન મળે, દારૂનિષેધથી ન મળે કે અસ્પૃશ્યતાનિવારણથી ન મળે. ત્યારે શું ધ્યેય બદલવાથી સ્વરાજ્ય મળી જશે ? સ્વરાજ્ય મેળવવાની રીત વિષે તકરાર હોય એ સમજાય. મુંબઈથી મદ્રાસ કયે રસ્તે જવું એ વિશે મતભેદ હોઈ શકે. પણ મદ્રાસ જવું કે નહીં એ વિષે જ તકરાર કરીને બેસી રહીએ તો તો ક્યાંય ન જવાય. ગાંધીજીએ તો તૈયારીનાં બે વર્ષ રાખ્યાં હતાં પણ શ્રી શ્રીનિવાસ આયંગરે અને તેમના સાથીઓએ એનું એક વરસ કરાવ્યું. હવે ક્લકત્તાનો ઠરાવ મુલતવી રખાવવાની તમારી દાનત હોય તો તેમ કરો. તેમ કરવાના જ આ ચાળા મને તો