પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૯
૧૯૨૯નું તૈયારીનું વર્ષ

દેખાય છે. હું દિલગીર છું કે મારે આટલું તમને કહેવું પડે છે. પણ તમે મને બોલાવ્યો છે એટલે મારાથી મૂંગા મૂંગા બધું જોયા ન કરાય. એવો સંભવ છે કે બીજા અનુભવી નેતાઓ જેટલું દૂર હું ન જોઈ શકતો હોઉં, બાકી મને તો ચોખ્ખું લાગે છે કે હજી જે ચાર મહિના રહ્યા છે તેમાં તામિલ પ્રાંતને જેટલું શૂરાતન બતાવવું હોય તેટલું બતાવી શકે છે અને લાહોરમાં જે કરાવવું હોય તે કરાવી શકે છે. પણ આજે શા સારુ અધીરા થાઓ છો ?”

આ ભાષણની ચમત્કારિક અસર થઈ અને શ્રી શ્રીનિવાસ આયંગરનો ઠરાવ ૬૭ વિ. ૧૭૫ મતે ઊડી ગયો. શ્રી શ્રીનિવાસ આયંગરે તો આવું બનશે એમ પણ સ્વપ્ને ધારેલું જ નહીં. આ ઠરાવ આમ ઉડાડી દેવામાં સરદારને આનંદ નહોતો, કોઈને આનંદ ન હોય. સ્વાતંત્ર્ય કોને ન જોઈએ ? પણ એ ઠરાવ તો ખોટી ધમકી હતી, તેની પાછળ સંગીન કાર્ય નહોતું. ઠરાવની પાછળ વિચારની સ્પષ્ટતા નહોતી એટલું જ નહીં પણ અસંગતિ હતી. આમ આચાર અને વિચારની સ્વચ્છતાની ખાતર જ સરદારે ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’ના ઠરાવનો વિરોધ કરવાનું અપ્રિય કામ કર્યું.

વેદારણ્યમાંથી રાજાજીએ સરદારને તામિલ પ્રાંતમાં ખૂબ ફેરવ્યા. મદ્રાસમાં તો લગભગ એકેએક કૉલેજમાં એમનાં ભાષણ થયાં. સરદારને અંગ્રેજીમાં બોલવાનો અણગમો છે. મહાદેવભાઈ આ પ્રવાસમાં એમની સાથે હતા. તેઓ લખે છે કે :

“એમની અંગ્રેજી ભાષામાં પ્રૌઢી નહતી, શબ્દોનું ચાતુર્ય નહોતું. સરદારે અંગ્રેજી બોલવાની કળા ખીલવી નથી, ઊલટું અંગ્રેજી ભૂલવાનો પ્રયત્ન કર્યો છે. છતાં એમની અંગ્રેજી વાણીમાં — ભલેને કોઈ વાર અંદર વ્યાકરણની ભૂલો થતી હોય, તેવી વાણીમાં — બારડોલીના ખેડૂતોએ એમની તળપદી ગુજરાતી વાણીમાં જે ચમત્કાર જોયો હતો તે જ ચમત્કાર મદ્રાસની અંગ્રેજી-રસિક આલમે જોયો. આનું રહસ્ય અન્યાયની સામે લડવાની એમની અદ્‌ભુત શક્તિમાં અને ક્ષણે ક્ષણે ભભૂકી ઊઠતી એમની દેશભક્તિમાં હતું. હૃદયના ઊંડાણમાંથી નીકળતી એમની વાણી સાંભળનારાનાં હૃદયમાં સોંસરી પેસી જતી હતી. એમની ભાંગીતૂટી અને વ્યાકરણશુદ્ધિની પરવા ન કરનારી પણ જ્વાળામુખીના રસ જેવી ધગધગતી વાણી સામાઓને ધગાવી મૂકતી હતી.”

બીજી વાત એ હતી કે કોઈની પણ શરમ રાખ્યા વિના સીધેસીધું એ કહી દેતા તે લોકોને બહુ ગમતું. તેમનાં બધાં ભાષણોનો અર્ક મહાદેવભાઇ એ નીચે મુજબ આપ્યો છે :

“જે કાર્યક્રમ એક જ વરસ સુધી દેશ આગળ રાખવામાં આવ્યો અને જેના વેગે આપણે આકાશમાં ઊડી અવનવાં સ્વપ્નાં જોયાં, જેના પરિણામે