પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૦
સરદાર વલ્લભભાઈ

સ્વરાજ લગભગ મોં આગળ આવીને ઊભું હતું, જે કાર્યક્રમે એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે માણસ પાપ કરતાં, ખોટું કરતાં સહેજે ડરતો હતો, તે કાર્યક્રમ એક જ વરસમાં બંધ પડ્યો. ત્યાર પછી નવો કાર્યક્રમ દેશની આગળ આવ્યો. એ છ વર્ષ થયાં ચાલ્યાં કરે છે. એને પરિણામે આપણે જરાયે આગળ વધ્યા નથી. પણ આપણા દેશમાં ઝઘડા વધ્યા છે, પક્ષો વધ્યા છે અને વાતાવરણ દૂષિત થયું છે. ધારાસભાને ભાંગવાની નેમથી તેમાં ગયેલાના આજે ધારાસભાએ ચૂરેચૂરા કર્યા છે. અને આજે તો તમારા પ્રાંતમાં ધારાસભામાં જઈને પ્રધાનપદાં લેવાની વાતો ચાલે છે, અમુક પક્ષને હાંકી કાઢવાની વાતો ચાલે છે અને સાથે સાથે ‘ઇન્ડિપેન્ડન્સ’ મેળવવાની વાતો ચાલે છે. સરકાર ભોળી નથી કે તમારી આવી વાતોથી છેતરાય. તમારે ત્યાં જમીન મહેસૂલનીતિ ફેરવવાને માટે તમે વહેલામાં વહેલી ચળવળ કરેલી. પાર્લમેન્ટે જમીનમહેસૂલને ધારાસભાના નિર્બંધ નીચે લાવવાની ભલામણ કર્યે દસ વર્ષ થઈ ગયાં. પણ આજે તમારી સરકાર ખુશખુશાલ જમાબંધી વધાર્યે જાય છે. આનું કારણ શું ? એનું કારણ એ કે આપણે અંદર અંદર સારી પેઠે લડી રહ્યા છીએ. સરકાર કહે છે, ભલેને લડતા. અંદર અંદર લડતા બંધ પડશે ત્યારે આપણી સાથે લડવાની એમને ફુરસદ મળશે ને ? હું તમને કહું છું કે તમારા ઝઘડા એક વર્ષને સારુ ભૂલી જાઓ અને જમીનમહેસૂલની નીતિ ફેરવવાને સંગઠન કરો. આજે તમારા નેતાઓ સ્વતંત્રતાની બૂમો પાડે છે. પણ શી રીતે, શું કામ કરીને સ્વતંત્રતા મેળવવી એની કોઈને પડી નથી. ગાંધીજીને પ્રમુખપદે સ્થાપવા છે, પણ ગાંધીજીનો રેંટિયો કોઈને જોઈતો નથી. આ વીસમી સદીમાં જે શહેરમાં પોણોસો મિલોનાં ભૂગળાં ધુમાડા કાઢી રહ્યાં છે તે જ શહેરની પાસે નદીને સામે કિનારે બેસીને જે માણસ પોતાના રેંટિયા ઉપર સૂતરના તાર કાઢે છે એને વિષે તમે શું ધારો છો ? તમે એને પાગલ ધારતા હો તો એનું પ્રમુખ તરીકે નામ સૂચવનારા તમે વધારે પાગલ નથી શું ? પણ એ પાગલ નથી. એનું વ્યવહારજ્ઞાન મારા તમારા કરતાં વધારે છે. આપણે આજે નહીં તો કાલે એણે બતાવેલા માર્ગ ઉપર જ આવવાના છીએ.”

મદ્રાસ પ્રાંતમાં બ્રાહ્મણ બ્રાહ્મણેતરના ઝઘડા પુષ્કળ ચાલતા હતા. આજે પણ ચાલે છે. સરદારને એ પ્રશ્ન ઉપર બોલવું જ પડ્યું. અબ્રાહ્મણોને એક ઠેકાણે કહ્યું:

“તમને બ્રાહ્મણોનો શા સારુ દ્વેષ થાય છે ? એ બ્રાહ્મણોએ તમારું શું બગાડ્યું છે ? તેના કરતાં બીજા બ્રાહ્મણોએ તમારું બન્નેનું બગાડ્યું છે તેની તમને ખબર છે ? પાંચ હજાર માઈલ દૂરથી આવીને જે માણસો રાજ્ય કરે છે તે બ્રાહ્મણ થઈ બેઠા છે. તેમને કોઈ વર્ણ નથી છતાં તમે ‘બ્રાહ્મણો’ અને ‘અબ્રાહ્મણો’ બન્ને તેમને ‘બ્રાહ્મણો’ તરીકે પૂજો છો, તેમની સવાર સાંજ ખુશામત કરો છો. તમારે એ બ્રાહ્મણોની સાથે લડવું છે કે નહીં ? એ બ્રાહ્મણોને તમારી