પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૩
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


ખેડૂતોને પૂછ્યું : ‘તમારા પ્રતિનિધિઓ ધારાસભામાં જઈને એકબીજા સાથે લડવાનો ધંધો કરે છે અને બહાર તમને લડાવે છે એ સારું કે ? હવે તમે એમના લડાવ્યા લડશો ?’ ખેડૂતોએ જવાબ આપ્યો : ‘હવે અમે એમનું કહેલું ન સાંભળીએ. એમણે અમારું કહેલું સાંભળવું પડશે.’ એટલે સરદારે સલાહ આપી : ‘તો તેમને કહેજો કે ખેડૂત સંઘમાં જોડાઓ ને ન જોડાવાના હો તો તેનું કારણ આપો. જો ન જોડાય તો માનજો કે એ સરકારથી ડરનારા છે, સરકારના પક્ષના છે. એમને પૂછજો કે, ‘તમે સરકારનું હિત ચાહો છો કે અમારું ?’ એક ઠેકાણે પૂછ્યું : ‘તમારા પ્રતિનિધિઓ ચીકોડી અને અંગાડી શા સારું લડે છે ?’ ખેડૂતો કહે : ‘પોતાના સ્વાર્થ માટેસ્તો.’ ‘તો એવાને તમે શા સારુ પસંદ કરો છો ?’ ખેડૂતો કહે : ‘એવી સલાહ આપનારા તમારા સિવાય બીજા કોઈ હજી મળ્યા નથી.’

સરદારની સોંસરી, તડ ને ફડ કરનારી વાણીમાં શ્રી ગંગાધરરાવને પોતાના મૂળ ગુરુ તિલક મહારાજની વાણીના ભણકારા સંભળાયા, સરદારની આંખમાં તેમણે લોકમાન્યનું તેજ અને લોકમાન્યની ‘ચીડ’ ભાળી. તામિલનાડમાં જ્યારે સરદાર ભાષણ કરતા હતા ત્યારે એક વાર રાજાજીએ પણ કહેલું: ‘આ તો જાણે તિલક મહારાજ બોલે છે.’ મહાદેવભાઈ એ કહ્યું : ‘આ શોધ પહેલી મેં કરી છે.’ પછી પોતાના ‘વીર વલ્લભભાઈ’ પુસ્તકમાં પોતે સરદારને અનેક રીતે તિલક મહારાજ સાથે સરખાવ્યા છે એ વાત કરી. એમાં એમણે લખ્યું છે :

“વલ્લભભાઈ સાથે બહુ રહ્યા પછી, તેમની બોલચાલ, તેમનું હાસ્ય, તેમનું તેજ, તેમના રાગ અને આવેશ જોયા પછી, તિલક મહારાજનું વધારે સ્મરણ થાય છે. . . . અવળી છાપ પાડવાની વિશેષતા પણ તિલક મહારાજ અને વલ્લભભાઈમાં સમાન છે. ઉપરથી બન્ને જેટલા અભિમાની લાગે તેટલા જ અંતરથી નિરભિમાન, ઉપરથી જેટલા રુક્ષ અને પરુષ લાગે તેટલા જ અંતરથી સૌમ્ય અને મૃદુ, ઉપરથી જેટલા અટપટા અને અભેદ્ય લાગે તેટલા જ અંતરથી સરળ અને ઋજુ, ઉપરથી જેટલા ઊંડા જણાય તેટલા જ બન્ને અંતરથી અળગા.”

અલબત્ત, મહાદેવભાઈ એ સાથે સાથે જ કબૂલ કર્યું છે કે, ‘આ સામ્યનો વિચાર કરતાં તિલક મહારાજની અગાધ વિદ્વત્તા અને વિપુલ શાસ્ત્રજ્ઞાનને હું ઘડીક વાર બાજુએ રાખું છું.’ પછી આગળ કહે છે :

“પણ તિલક મહારાજ લોકમાન્ય બન્યા તે એમની અગાધ વિદ્વત્તાએ નહીંં કે ઊંડા શાસ્ત્રજ્ઞાને નહીંં, પણ અન્યાયની સામે ઝૂઝવાની એમની અપાર શક્તિને લીધે, તેમના અપૂર્વ ત્યાગને લીધે, લોકોનાં દુઃખ જાણી