પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૪
સરદાર વલ્લભભાઈ

લોકોનાં અંતરમાં પ્રવેશ કરવાની તેમની જાદુઈ શક્તિને લીધે. આ ત્રણે વસ્તુઓ વલ્લભભાઈમાં એટલી જ ભરી છે એમ ગુજરાતે બારડોલીની લડતમાં સવિશેષે જાણ્યું. લોકમાન્ય પણ જ્યારે આમવર્ગ આગળ ઊભા રહેતા ત્યારે તેઓ તેમની વિદ્વત્તા ન ઠાલવતા, પણ આમવર્ગના જ એક માણસ તરીકે ઊભા રહી તેમની જ ભાષા બોલતા. બારડોલીનાં અનેક ભાષણો જોઈશું તો તિલક મહારાજનાં અહમદનગર અને બેલગામનાં પેલાં ઐતિહાસિક ભાષણોના તેમાં ભણકારા સંભળાશે.”

તિલક મહારાજના ઉદ્‌ગારો જુઓ :

“સરકાર આપણને અધિકાર આપે છે તે કૂંડામાં આપણે તે પ્રમાણે, છોડ રોપીએ છીએ. પણ મોટાં વૃક્ષ કરવાં હોય તો તે બીજ બહાર મોકળી જમીનમાં વાવવાં જોઈએ. કૂડાંનાં ઝાડ રૂપાળાં લાગે, પણ તે નાજુક; લાંબા દિવસ ટકનારાં નથી હોતાં. . . . દેશ પાસે કર કેટલા વસૂલ કરવા તે અમને સમજાય કે તમને વધારે સમજાય ? . . . લડાઈ ઉપર કેટલા પૈસા ખર્ચવા તે બાદશાહ નથી ઠરાવતો, પણ મુખ્ય પ્રધાન ઠરાવે છે. તેની ભૂલ થાય છે તો તે રાજીનામું આપે છે, અને તેને રાજીનામું આપવાની ફરજ પાડવામાં સરકારનો ગુનો નથી થતો. . . . આપણને સ્વરાજ મળે તેથી અંગ્રેજનું રાજ બૂડે એમ નથી. . . . અમારે જે જે દરવાજે બહાર નીકળવું હોય તે તે દરવાજા રોકીને નોકરશાહી ઊભી છે. તેને ધક્કો મારીને અમારે બહાર નીકળવું છે. તેની આડખીલી અમને ન જોઈએ. આડખીલી તો ખરી જ, ઉપરાંત પાછા મોટા મોટા પગાર ! . . . ‘તમારે માટે વિલાયતની ઠંડી હવા છોડીને અહીં આવ્યા છીએ,’ એમ અંગ્રેજ અમલદાર કહે છે. પણ તને અહીં બોલાવ્યો હતો કોણે ?”

હવે સરદારના આ શબ્દો લો :

“સરકાર એટલે કોણ ? સરકાર એટલે કલેક્ટર ? સરકાર એટલે મામલતદાર ? કે ફોજદાર કે તલાટી ? આ બધા મળીને સરકાર બનેલી છે, એટલે એનો ક્યાં પત્તો લાગે ? કોઈ એક વ્યક્તિ નથી એટલે આપણે તેને સરકાર માનીએ ? આપણે પોતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને તેનાથી ડરીએ છીએ. પણ તમારે ડરવાનું કશું કારણ નથી. તમે કોઈની ચોરી નથી કરી. તમે લૂંટફાટ નથી કરી. મારામારી કરી નથી. ડરવાનું શું કારણ હોય ? . . . પાંચ હજાર માઈલથી આવેલા વાણિયાથી તમે શા માટે ડરો ? તમે આ દેશના જ વતનીઓ પોતાના ઘરમાં બેઠા પરદેશી વાણિયાથી ડરો ? રાજ્ય કરનારા પરદેશી તો સુરતથી અહીં (બારડોલી) આવતા પણ નથી. એ ત્યાં જ બેસીને મહાલકરીને અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને કહે છે કે તમે લોકોને સમજાવો, દબાવો. એ પોતે તો કોઈ દરિયાકાંઠે કે શીતળ ટેકરી ઉપર હવા ખાતા હશે.”