પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિલાયતમાં

વિઠ્ઠલભાઈની પેઠે સરદારે પણ પોતાના વિલાયત જવાની વાત બોરસદમાં પહેલેથી કોઈને કરેલી નહીં. બોરસદથી ઊપડવાને દિવસે કોર્ટમાંથી ઘેર આવ્યા પછી પોતાના મિત્ર એક દાક્તરને અને બીજા બે ચાર જણને વાત કરી. છોકરાંની, તેમના ખર્ચની અને વિલાયતના પોતાના ખર્ચની બધી વ્યવસ્થા તો પહેલેથી કરી જ હતી. નાના ભાઈ કાશીભાઈ તાજા જ વકીલ થઈને બોરસદ આવેલા, તેમને ઘર અને કામકાજ સોંપી દીધું અને રાતે મુંબઈ જવા ઊપડ્યા. ત્યાંથી ૧૯૧૦ના ઑગસ્ટમાં સ્ટીમર ઉપર ચઢ્યા. સ્ટીમર કોઈ દિવસ જોઈ નહોતી. વિલાયતી પોશાક તો તે જ દિવસે પહેરેલો. ખુરશી-ટેબલ ઉપર છરીકાંટાથી કેમ ખાવું તે જોયું કે જાણ્યું નહોતું. એમ ને એમ જ ગામડિયા જેવા આગબોટ પર ચડી બેઠા. મુંબઈથી ઊપડતાં કાઠિયાવાડના એક નાના રજવાડાના ઠાકોરનો સાથ વિઠ્ઠલભાઈ એ કરી આપ્યો હતો. એડન સુધી દરિયો ખૂબ તોફાની હતો એટલે ઊલટીઓ ખૂબ થઈ અને બહુ બેચેની રહી. સરદાર કહે છે કે ચાર દિવસમાં આખું પેટ સાફ થઈ ગયું. પછી કાંઈક ઠીક લાગવા માંડ્યું. વિઠ્ઠલભાઈ પાસેથી થોડી કાયદાની ચોપડીઓ સાથે લીધેલી તેમાંથી જસ્ટીનિયનનો રોમન લૉ એડનથી માર્સેલ્સ પહોંચતાં સુધીમાં પૂરો વાંચી નાખ્યો.

લંડન પહોંચ્યા પછી પહેલે દિવસે તો પેલા ઠાકોરની સાથે હોટેલ સેસિલમાં ઊતર્યા. પણ તે એટલી મોંઘી હતી કે બદલીને બીજે જ દિવસે શ્રી જોરાભાઈ ભાઈબાભાઈ પટેલ જે બેઝ વૉટરમાં રહેતા હતા તેમને ત્યાં ગયા. પછી બોર્ડરોને રાખનારી એક બાઈને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી.

બૅરિસ્ટરના અભ્યાસ માટે મિડલ ટેમ્પલમાં [૧] દાખલ થયા. થોડા વખતમાં જ પરીક્ષા થતી હતી અને રોમન લૉ તો તેમણે સ્ટીમરમાં જ વાંચી નાખ્યો હતો એટલે એ પરીક્ષામાં રોમન લૉના પેપરમાં બેઠા અને બહુ સારા માર્ક્સ મેળવી ઑનર્સ સાથે પહેલે નંબરે પાસ થયા.


  1. ❋બૅરિસ્ટરની પરીક્ષા લેનારી અને પરીક્ષામાં પાસ થનારને બૅરિસ્ટર તરીકે નોંધનારી ઇંગ્લંડમાં ચાર સેસાયટીઓ અથવા મંડળીઓ છે. લિંકન્સ ઈન, ઈનર ટેમ્પલ, મિડલ ટેમ્પલ અને ગ્રેઝ ઈન. આ ચાર સોસાયટીઓ સિવાય બીજા કોઈને બૅરિસ્ટર બનાવવાનો અધિકાર નથી. પરીક્ષા પાસ કરી હોય છતાં કોઈને બૅરિસ્ટર