પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૧
પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ


વાઈસરૉયની સાચદિલીની ખોળાધરી આપી અને કહ્યું કે અત્યારે મળેલી તકનો પૂરો ઉપયોગ કરી લેવામાં નહીં આવે તો હિંદુસ્તાન ભારે થાપ ખાશે. સૌની વાત સાંભળી લીધા પછી ગાંધીજીએ કહ્યું કે હિંદી વજીર અથવા તો વાઈસરૉયની પ્રામાણિકતા કે નિખાલસપણા વિષે આપણે શંકા ન ઉઠાવીએ, પણ આપણે આપણી શરતો સ્પષ્ટ કરવી જોઈએ. હિંદુસ્તાનને ડુમિનિયન સ્ટેટસ તરત જ આપવું જોઈએ એ અભિપ્રાય નરમ દળના નેતાઓ અનેક વાર જાહેર કરી ચૂક્યા છે. કૉંગ્રેસનો કલકત્તાનો ઠરાવ તો આપણી આગળ છે જ. જો એનાથી એક તસુ પણ આપણે પાછા હઠીએ તો દેશનો ભારે વિશ્વાસઘાત થાય. ડુમિનિયન સ્ટેટસ ક્યારે સ્થપાવું જોઈએ અથવા સ્થપાવું જોઈએ કે નહીં એની ચર્ચા કરવાપણું હવે હોય જ નહીં. એ સ્થાપવાના ઉપાયો યોજવા પરિષદ ભરાતી હોય તો જ આપણે તેમાં જઈ શકીએ. મજૂર સરકારની સ્થિતિનો વિચાર કરવો અથવા તેની દયા ખાવી એ હિંદુસ્તાન માટે અપ્રસ્તુત છે. એમ કહીને એમણે પરિષદમાં ભાગ લેવા માટે નીચેની ચાર શરતો રજૂ કરી:

૧. તમામ રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવે.
૨. ડુમિનિયન સ્ટેટસ ક્યારે આપવું એની ચર્ચા માટે નહીં પણ હિંદુસ્તાનના ડુમિનિયન બંધારણની યોજનાનો વિચાર કરવા પરિષદ હોય.
૩. પરિષદમાં કૉંગ્રેસને પ્રધાનપદ આપવામાં આવે.
૪. પરિષદ પછી કાયદો કરીને જે આપવાનું છે તેના ભાવ અને તત્ત્વનો અમલ આજથી જ કરવામાં આવે, જેથી લોકોને એમ લાગે કે સ્વરાજનો નવયુગ આજથી શરૂ થઈ ગયો છે. નવું બંધારણ તો એ હકીકતની નોંધ કરવા પૂરતું હોય.

કૉંગ્રેસ સિવાયના બીજા પક્ષોને આ વસ્તુનો ઘૂંટડો ઉતરાવતાં વાર લાગી. છતાં આશ્ચર્ય એ હતું કે સર તેજબહાદુર સપ્રુ વગેરેએ આ શરતો વધાવી લીધી અને તે અનુસાર ખરીતો ઘડાયો એમાં બધા નેતાઓએ સહી કરી. એ ખરીતો સંયુક્ત ખરીતો (‘જૉઈન્ટ મૅનિફેસ્ટો’) એ નામે ઓળખાયો.

આ સંયુક્ત ખરીતા ઉપર ભાષ્ય કરતાં ગાંધીજીએ લખ્યું કે :
“ખરા ડુમિનિયન સ્ટેટસનો અમલ થવા માંડે તો હું તો ડુમિનિયન બંધારણની પણ પરવા ન કરું. એટલે કે, બ્રિટિશ પ્રજાનું સાચું હૃદય-પરિવર્તન થાય, હિંદુસ્તાન મુક્ત અને સ્વમાનયુક્ત રાષ્ટ્ર થાય એ જોવાનો તેનામાં સદ્‌ભાવ પ્રગટે અને હિંદમાં આવેલા અમલદારોમાં સેવાની સાચી ભાવના જાગે. આનો અર્થ એ થયો કે પોલાદની સંગીનોને બદલે લોકોના સદ્‌ભાવ ઉપ૨ તેઓ ભરોસો રાખતા થાય. અંગ્રેજ પુરુષો અને સ્ત્રીઓ પોતાના જાનમાલની સલામતી માટે શસ્ત્રસજ્જ કિલ્લાઓને બદલે પ્રજાના સદ્‌ભાવ ઉપર આધાર રાખવા તૈયાર છે ? જો તૈયાર ન હોય તે બીજા કશા ડુમિનિયન