પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૨
સરદાર વલ્લભભાઈ


સ્ટેટસથી મને સંતોષ થાય એમ નથી. ડુમિનિયન સ્ટેટસનો મારો ખ્યાલ એવો છે કે જો મારી એવી ઇચ્છા થાય તો આજે જ બ્રિટિશ સંબંધ તોડી નાખવાની મારી પાસે સત્તા હોવી જોઈ એ. બ્રિટન અને હિંદ વચ્ચેના સંબંધના નિયમનમાં બળજબરી જેવું કશું દેવું જોઈએ નહીં.
“સંભવ છે કે હું જે અર્થો કાઢું છું તેની મજૂર સરકારે કદી કલ્પના પણ ન કરી હોય. આવો અર્થ કાઢવામાં સંયુક્ત ખરીતાનો તાણીતૂસીને વધારેપડતો અર્થે મેં કર્યો છે એમ હું તો માનતો નથી. છતાં ધારો કે આ બધા અર્થોનો ભાર ખરીતો ખમી શકે એમ ન હોય તે પણ ઇંગ્લંડના તેમ જ હિંદમાંના મિત્રો પ્રત્યે મારી ફરજ છે કે મારી વાતને મૂળ મુદ્દો મારે તેમની આગળ સ્પષ્ટ કરવો જોઈએ.”

વાઈસરૉયના જાહેરનામામાં કાંઈ બહુ વાત કહી નાખી નહોતી. છતાં એના ઉપર પણ પાર્લમેન્ટમાં ભારે શોરબકોર મચ્યો. હિંદી વજીરે એના ખુલાસામાં જે કહ્યું તે ઉપરથી હિંદુસ્તાનમાં બહુ નિરાશા ફેલાઈ. પાર્લમેન્ટમાં થયેલી ચર્ચા ઉપર વિચાર કરવા તા. ૧૬ મી નવેમ્બરે અલ્લાહાબાદમાં ફરી સર્વપક્ષી પરિષદ મળી અને તેની સાથે કૉંગ્રેસ કારોબારીની બેઠક પણ થઈ. વાઈસરૉયના આવા દમ વિનાના જાહેરનામાથી પોમાઈ જઈ કૉંગ્રેસ નેતાઓ આમ દોડાદોડી કરે તેમાં જવાહરલાલજી તથા સુભાષબાબુને કૉંગ્રેસની કાકલૂદી જણાતી હતી. એટલે કૉંગ્રેસ કારોબારી કશો નિર્ણય કરે તે પહેલાં જ તેમણે બન્નેએ પોતાનો વિરોધ દર્શાવવા કારોબારીમાંથી રાજીનામાં આપ્યાં. ૫ં○ મોતીલાલજી પણ પાર્લમેન્ટની ચર્ચાથી બહુ ગુસ્સે થયા હતા. કેટલાક વૃત્તવિવેચકો વાઈરૉયને સૂચવવા લાગ્યા કે લાહોર કૉંગ્રેસ ભરાય તે પહેલાં તેણે એવું કાંઈક જાહેર કરવું જોઈએ, જેથી નેતાઓને એમ ન લાગે કે આપણે કૉંગ્રેસમાં ખાલી હાથે જઈએ છીએ. નરમ દળના નેતાઓ લંડનમાં ભરાનારી પરિષદને ગાળમેજી પરિષદ કહેતા હતા અને તેમાં જવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. જોકે વાઈસરૉયે પોતાના જાહેરનામામાં કે ત્યાર પછી ગોળમેજી શબ્દ વાપર્યો ન હતો. એમણે તો લંડન પરિષદ એમ જ કહ્યું હતું અને પરિષદને અંગે ખાસ કશું વચન પણ આપ્યું ન હતું. પણ સર તેજબહાદુર સપ્રુ બહુ ઈચ્છતા હતા કે વાઈસરૉય તથા ગાંધીજી અને પં○ મોતીલાલજીની મુલાકાત થાય અને તેમાંથી કાંઈક રસ્તો નીકળે. છેવટે તા. ૨૩મી ડિસેમ્બરે મુલાકાત ગોઠવાઈ. વાઈસરૉય દક્ષિણ તરફ ગયા હતા ત્યાંથી તે જ દિવસે દિલ્હી આવ્યા. તેઓ દિલ્હી આવતા હતા તે વખતે નવી દિલ્હી એક જ માઈલ રહ્યું હતું ત્યાં તેમની ટ્રેનની નીચે બૉમ્બનો ધડાકો થયો. વાઈસરૉય સહેજમાં બચી ગયા. તેમના ભોજનના સલૂનને નુકસાન થયું અને