પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
વિલાયતમાં


આવે એવી વિનંતી કરી. નિયામકમંડળમાં આ અરજી ઉપર વિચાર ચાલ્યો. તેમાં જે બેન્ચરો ત્યાંના હતા તેમણે તો સંમતિ આપી પણ ઍંગ્લો-ઈન્ડિયન (હિંદુસ્તાનમાં લાંબો વખત રહી ગયેલા અંગ્રેજ) બેન્ચરોએ સખત વિરોધ કર્યો. તેમની દલીલ એ હતી કે એમ ટૂંક સમયમાં અને થોડા ખર્ચમાં બૅરિસ્ટર થઈ શકાશે તો હિંદુસ્તાનમાંથી બૅરિસ્ટર થવા વિલાયત આવનારાઓનો રાફડો ફાટશે. આ લોકોના વિરોધને લીધે સરદારની અરજી રદ કરવામાં આવી.

હવે અમુક ભોજન લેવાનાં હતાં તે ઉપરાંત બીજા કશાં ખાસ કામ વિના છ મહિના સરદારને વિલાયતમાં રહેવું પડ્યું. એટલે ઇંગ્લંડમાં તેઓ ઠીક ઠીક ફર્યા. તે વખતે બૅરિસ્ટર થવા ત્યાં ગયેલાઓ પૈકી ગુજરાતીઓમાં શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ, શ્રી નગીનદાસ સેતલવાડ, શ્રી ઇન્દ્રવદન નારાયણભાઈ મહેતા, શ્રી સૂર્યશંકર દેવશંકર મહેતા વગેરે હતા. તેમને અવારનવાર મળતા, જોકે કોઈ સાથે ગાઢ પરિચય કે દોસ્તી જેવું થયેલું નહીં. બીજા વિદ્યાર્થીઓના પણ થોડાઘણા પરિચયમાં આવેલા. સરદારને પોતાને તો દેશના જાહેર જીવનનો બિલકુલ અનુભવ ન હતો. પણ ત્યાં ગયેલા બીજા હિંદી વિદ્યાથીઓ જાહેર જીવનની વાતો બહુ કરતા. જોકે તે વખતે હિંદી વિદ્યાર્થીઓ માટે ઇંગ્લંડમાં વાતાવરણ ગરમ હતું. ધિંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કરેલું, સાવરકરને રાજ્યવિરોધી કાવતરા માટે જન્મટીપની સજા થયેલી, બિપિનચંદ્ર પાલ ત્યાં ગરમાગરમ ભાષણ કરી ગયેલા એ બધું આ અરસામાં અથવા થોડા જ વખત પહેલાં બની ગયું હતું, એટલે હિંદી વિદ્યાર્થીઓ ઉપર ઠીક ઠીક જાસૂસી રહેતી. એકંદરે તો સરદારને ત્યાંના હિંદી વિદ્યાર્થીઓનું જાહેર જીવન દમ વિનાનું લાગેલું. ઘણા વિદ્યાર્થીઓ તો ત્યાં માજશોખમાં પડી ગયેલા જણાતા હતા. એક વિદ્યાર્થીએ પોતાની મુશ્કેલીઓની ખોટી ખોટી વાતો કરી સરદાર પાસેથી પંચોતેર પાઉંડ ઉછીના લીધેલા, તે પાછા મેળવતાં એમને બહુ મુશ્કેલી પડેલી. વિલાયતમાં જ્યારે સરદાર બીમાર હતા અને ઓપરેશન કરાવ્યું હતું ત્યારે પૈસાની જરૂર પડી અને એની પાસે આપેલા પૈસાની માગણી કરી ત્યારે એણે ગુસ્સે થઈને કાગળ લખ્યો અને સરદારને મળવા કરવાનું બંધ કર્યુંં. બાકી રહેલી રકમ તે હિંદુસ્તાનમાં આવ્યા બાદ તેણે મોકલી આપી. તે વખતે કાગળ લખ્યો તેમાં પોતાના અસભ્ય વર્તન માટે માફી માગી અને સરદારની સુજનતા તથા માયાળુપણાની કદર બૂજી. પણ એકંદરે મોટા ભાગના વિદ્યાર્થીઓથી સરદારને નિરાશા સાંપડેલી.

ત્યાં બૅરિસ્ટર તરીકેની નોંધણીનો સમારંભ અને વિધિ આપણી અહીંની યુનિવર્સિટીના પદવીદાન સમારંભ જેવો લગભગ હોય છે. બધી ટર્મ્સ પૂરી થતાં સરદારને બૅરિસ્ટર તરીકે નોંધાવાનો સમય આવ્યો. ત્યાંના રિવાજ પ્રમાણે