પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
સરદાર વલ્લભભાઈ


એક ‘બેન્ચરે’ ઉમેદવારને બૅરિસ્ટર તરીકે નોંધવાની દરખાસ્ત કરવી પડે છે અને બીજા ‘બેન્ચરે’ તેને ટેકો આપવો પડે છે. સરદાર પોતાની ઈનના સઘળા બેન્ચરોનું લિસ્ટ જોઈ ગયા અને કશી ઓળખાણ કે ભલામણ વિના એક સિનિયર બેન્ચર પાસે પહોંચી ગયા અને પોતાની દરખાસ્ત કરવા તેને વિનંતી કરી. પેલા ભાઈએ હેતથી સરદારનું સ્વાગત કર્યું અને પોતે દરખાસ્ત કરવાનું સ્વીકાર્યું એટલું જ નહીં પણ ટેકો આપનારનું પણ નક્કી કરી આપ્યું. આ ભાઈ તે વખતના મુંબઈના ચીફ જસ્ટિસ સર બેસિલ સ્કૉટના પિત્રાઈ ભાઈ થતા હતા, એ વાત તે પાછળથી સરદારના જાણવામાં આવી.

આ દરખાસ્ત વગેરે વિધિની સભા જે હૉલમાં થાય ત્યાં બહુ દબદબાથી સરઘસના આકારમાં જવાનું હોય છે. પહેલે નંબરે પાસ થયેલા હોઈ સરઘસમાં સરદારને બહુ માનનું સ્થાન મળ્યું. સરઘસને મોખરે નિયામકમંડળનો ચૅરમૅન, તેની પાછળ ઑનર્સમાં પહેલે નંબરે આવેલા ઉમેદવાર તરીકે સરદાર, તેની પાછળ બધા બેન્ચરો અને તેની પાછળ નવા બેરિસ્ટર થનારાઓ — એ ક્રમે સરઘસ સભાગૃહ તરફ ચાલ્યું. સ્વાભાવિક રીતે જ સૌ પ્રેક્ષકોનું ધ્યાન સરદાર તરફ ખેંચાયું.

આ વિધિ પૂરો થયો એટલે એમના નામની દરખાસ્ત મૂકનાર પેલા બેન્ચરે સરદારને બીજે દિવસે પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પણ બીજે જ દિવસે ત્યાંથી ઊપડી જવા માટે સ્ટીમરની ટિકિટ વગેરે લઈ રાખી છે એમ સરદારે જણાવ્યું, અને આવી ઉતાવળ કરવાના કારણમાં મા વિહોણાં બે નાનાં છોકરાંને અઢી વર્ષ થયાં ઘેર મૂકીને આવ્યો છું એમ કહ્યું, એટલે પેલા બેન્ચર ભાઈએ જમવાનો આગ્રહ છોડી દીધો. પણ પોતાના ભાઈ જે મુંબઈમાં ચીફ જસ્ટિસ હતા તેમના ઉપર ચિઠ્ઠી લેતા જવાનું કહ્યું અને જણાવ્યું કે જો મુંબઈ રહેવા ઈચ્છતા હશો તો ચિઠ્ઠી ઉપયોગી થશે. મારા ભાઈ તમને જરૂર મદદ કરશે. સરદારે ભારે આભાર સાથે ચિઠ્ઠી લીધી અને પોતાની ગોઠવણ પ્રમાણે બીજે જ દિવસે ઈગ્લેંડનો કિનારો છોડ્યો.