પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
બૅરિસ્ટરી


સર૦ — (પેલા પોલીસપટેલને) તમારા પ્રથમ રિપોર્ટમાં ખૂનીનાં જે નામ લખેલાં છે તે છેકી નાખીને કેમ બદલ્યાં છે ?

પટેલ — મરનારના બાપે પહેલી વાર બે નામ આપ્યાં. પણ ત્યાર પછી તેની સ્ત્રીએ આ બીજાં બે નામ આપ્યાં. એટલે મેં બદલ્યાં.

સર૦ — તમે નામ બદલવાના કેટલા રૂપિયા લીધા છે ?

પટેલ — મેં કાંઈ લીધું નથી.

સર૦ — વાહ, ધરમરાજાના અવતાર લાગો છો. પણ હું તમને પોલીસપટેલોને ઓળખું છું. તમારા લોકો તો ખૂન કરાવે, દેવતા મુકાવે, જાસા કરાવે, ચોરીઓ કરાવે, અને ચોરીનો માલ પણ રાખે. માટે ભગવાનને માથે રાખી જુબાની આપો છો તો સાચું બોલો. નહીં તો સવાલો પૂછીને તમારાં બધાં પોકળ મારે ખોલાવવાં પડશે.

પેલો મુખી તો ડઘાઈ જ ગયો અને બધું ઘણુંયે તૈયાર થઈને આવ્યો હશે પણ જુબાનીમાં સાવ તૂટી ગયો. પેલા બંને આરોપીઓ છૂટી ગયા.

તે અરસામાં ઉમરેઠ ગામમાં ખોટા દસ્તાવેજો બનાવવાનો વાયરો વાયેલો. એ દસ્તાવેજોના જોર ઉપર કેટલાયે માણસો ઉપર ખોટા દાવા થયેલા. કોઈના ઉપર અદાવત હોય તો તેની સામે ખોટો દસ્તાવેજ ઊભો કરી દાવો માંડવામાં આવતો અને તેને હેરાન કરવામાં આવતો. એના કેસો છેક હાઈકોર્ટ સુધી પહોંચેલા અને જ્યાં દસ્તાવેજના ખોટાપણાની ખાતરી થઈ ત્યાં હાઈકોર્ટ જજોએ સખત ટીકા કરેલી અને એવા દસ્તાવેજ રજૂ કરનાર ઉપર ફોજદારી કેસ ચલાવવાના હુકમો કાઢેલા. છેવટે તપાસ કરી ગુનેગારોને પકડવા માટે એક ખાસ પોલીસ અમલદાર નીમવામાં આવ્યો. તેણે એક ખોટા દસ્તાવેજ બનાવનારને ‘એપ્રૂવર’ (જે પોતાના ગુના કબૂલ કરે છે અને ગુનામાં સંડોવાયેલા બધાનાં નામ આપે છે અને તે બદલ એને સરકાર તરફથી માફી બક્ષવામાં આવે છે.) બનાવ્યો. એને પરિણામે ખોટા દસ્તાવેજ બનાવવાના આરોપના ખોટા ખરા સંખ્યાબંધ કેસો ઊભા થયા. એ બધા કેસો ચલાવવા સરકારે એક ખાસ વકીલ નીમ્યો. આમાંના ઘણા કેસોમાં આરોપી તરફથી પોતાના બચાવ માટે સરદારને રોકવામાં આવતા.

એક સાક્ષીની સરદારે ઊલટતપાસ કરવા માંડી. તેને પૂછ્યું : “તમે શરાફ છો ?” પેલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે ફરી પૂછ્યું : “તમે શરાફ છો ?” જવાબ ન મળ્યો એટલે ત્રીજી વાર પૂછ્યું : “તમે શરાફ છો ?” પેલો કંઈ ન બોલ્યો એટલે સરદારે કહ્યું : “જે હો તો કહી દો ને ? હું તો તમને ઓળખું છું કે, ‘સત્તરપંચા પંચાણુ, તેમાંથી પાંચ મૂક્યા છૂટના, લાવ નેવુ.’ એ ધંધો કરનારા તમે છો. પણ અહીં લાલચટક પાઘડી અને કડકડતું અંગરખું અને