પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
બૅરિસ્ટરી


તોડી જમીનદોસ્ત કરી નાખે એવી થતી. કોર્ટની આગળ દલીલો પણ બહુ જ મુદ્દાસર અને ચોટડૂક કરતા. તેથી કેસ ચલાવતાં બીજા વકીલોને, પ્રસ્તુત વસ્તુઓ ઉપર આવો અથવા પ્રસ્તુતને જ વળગી રહો એમ કહી કોર્ટે ટોકવા અથવા રોકવા પડે છે એવું તેમને વિષે કદી બનતું નહીં. કેસ ચલાવવામાં બીજા વકીલો કરતાં તેઓ અડધો વખત પણ લેતા નહીં અને છતાં કામ આબાદ કરતા.

વળી બહુ કેસો મેળવવાની પણ સરદાર પરવા કરતા નહોતા. તે વખતે અમદાવાદમાં બૅરિસ્ટરોની ફીના જે દર હતા તે કરતાં સરદારે પોતાની ફીનો દર ઊંચો રાખ્યો હતો. મુંબઈમાં વિઠ્ઠલભાઈનું ખર્ચ, અમદાવાદમાં પોતાના ઘરનું ખર્ચ તથા કુટુંબને કાંઈ મદદ કરવાની હોય તે, એ બધું દસ બાર દિવસના કામમાંથી જ તેઓ કમાઈ લેતા. કોર્ટના કામ પછી ગુજરાત ક્લબમાં જતા અને ત્યાં બ્રિજ રમતા. બૅરિસ્ટર શ્રી ચિમનલાલ ઠાકોર સાથે એમને બહુ દોસ્તી થઈ ગઈ હતી અને બ્રિજમાં ઘણુંખરું એ બે ભેરુ થતા. બ્રિજ રમવામાં એમની હોશિયારીની વાત ક્લબમાં થોડા જ વખતમાં જાણીતી થઈ ગઈ. શ્રી વાડિયા નામના એક જૂના બૅરિસ્ટરે ગુજરાત ક્લબમાં બ્રિજની રમત દાખલ કરાવરાવેલી અને પોતે બ્રિજ રમવામાં એક્કા છે એવો એમને ફાંકો હતો. એવો જ ફાંકો રાખનાર એક શ્રી બ્રોકર નામના વકીલ હતા. એ બે જણે સરદાર અને એમના ભેરુ શ્રી ચિમનલાલ ઠાકોરને હરાવવાનો વિચાર કરી શરત બકીને બ્રિજ રમવાનું તેમને કહેણ આપ્યું. સરદારે કહ્યું કે પૉઈન્ટનો આનો બે આનાની શરત બકી આપણે રમવું નથી. રમવું હોય તો પાંચ પાઉંડના સો પૉઈન્ટ એવી શરત બકીએ. વાડિયા બૅરિસ્ટર અને બ્રોકર વકીલને તો ભારે ખુમારી હતી કે આપણે જ જીતવાના છીએ એટલે એ લોકો કબૂલ થયા. પણ પહેલે જ દિવસે પંદર કે વીસ પાઉંડ હાર્યા. તોયે બીજે દિવસે રમ્યા અને બીજે દિવસે પચીસ કે ત્રીસ પાઉંડ હાર્યા. ક્લબમાં તો હાહાકાર થઈ ગયો. કેટલાક વકીલો તો આવી મોટી શરત બકીને રમવાની ક્લબમાં બંધી કરવી જોઈએ એવો વિચાર પણ કરવા લાગ્યા. ત્રીજે દિવસે વાડિયાનાં પત્નીને ખબર પડી એટલે એ તો લગભગ ચાર વાગ્યાનાં ગાડી લઈને ક્લબને દરવાજે આવીને ઊભાં. કોર્ટમાંથી વાડિયા ક્લબમાં જવા જતા હતા તેવાં જ કહે: “ચાલો ઘેર, ક્લબમાં નથી જવું.” એમ આઠ દસ દિવસ સુધી કર્યું અને પછી સરદારને મળીને વિનંતી કરી કે કૃપા કરીને મારા ધણીને આવા છંદે ન ચઢાવશો. સરદાર આવી શરતો બકીને રમવાનું પસંદ નહોતા જ કરતા પણ પેલા ભાઈઓનું ગુમાન ઉતારવાની ખાતર જ શરત ઉપર રમવા તૈયાર થયા હતા.